Home /News /rajkot /રાજકોટ: દેવાયત ખવડની મકરસંક્રાંતિ જેલમાં જ જશે, જામીન નામંજૂર
રાજકોટ: દેવાયત ખવડની મકરસંક્રાંતિ જેલમાં જ જશે, જામીન નામંજૂર
રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે
Dewayat Khawad bail denied: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અગાઉ આ જ કેસના અન્ય આરોપી કિશન કુંભારવાડીયાના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અગાઉ આ જ કેસના અન્ય આરોપી કિશન કુંભારવાડીયાના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. આમ, મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
જાહેરમાં જે પ્રકારે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર છે: વકીલ
કોર્ટમાં ફરિયાદી પક્ષના વકીલ દ્વારા નામદાર કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ તપાસમાં તે વાત સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકી છે કે દેવાયત ખવડ દ્વારા અને તેના સાગરિતો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, તે કોઈ અનાયાસે કરવામાં નહોતો આવ્યો. એક ચોક્કસ આયોજિત કાવતરા અંતર્ગત હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની આસપાસની જગ્યાએ ગુનાહિત કૃત્ય આચરનારા આરોપીઓ દ્વારા ચોક્કસ સમયે રેકી પણ કરવામાં આવી હતી. તેમજ ફરિયાદી પક્ષ તરફથી દલીલ પણ કરવામાં આવી છે કે, જાહેરમાં જે પ્રકારે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર છે. જે વિસ્તારમાં બનાવ બન્યો છે, તે ખૂબ જ ભીડભાડવાળો વિસ્તાર હોય છે. તેથી લોકો ઉપર તેની ખરાબ અસર પડી શકે તેમ છે.
દેવાયત ખવડ સહિતના તમામ આરોપીઓના રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે, ત્યારે આ સંજોગોમાં લાંબો સમય જેલમાં ન રહેવું હોય તો તમામ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી શકે તેમ છે. તેમજ જો લાંબુ સમય જેલમાં રહેવું હોય તો જ્યાં સુધી પોલીસ દ્વારા આ સમગ્ર કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી તેમને નીચલી કોર્ટમાંથી જામીન ન મળે.
શું હતો સમગ્ર મામલો?
ગત સાતમી ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. તેમજ એક વ્યક્તિ તેમની મદદગારીમાં હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી. જે અંતર્ગત પોલીસ એક તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવાયત ખવડના રાજકોટ સ્થિત ઘર પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, દેવાયત ખવડ ત્યાં મળી આવ્યો નહોતો. ત્યાર બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા દેવાયત ખવડના મૂળ વતન દુધઈ ખાતે પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યાં પણ દેવાયત ખવડ મળી આવ્યો નહોતો. આ દરમિયાન દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી. તે બાબતનો કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવે તે પૂર્વે જ દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થતા અન્ય બે આરોપીઓ કિશન કુંભારવાડીયા અને કાનો રબારી પણ એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયા હતા.
એ ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી અર્થે તમામ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા અઢી દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.