Home /News /rajkot /રાજકોટ: 'બંટી બબલી'એ એક-બે નહીં 19 કરોડનું કરી નાંખ્યું; બંટી કેદમાં, બબલી ફરાર
રાજકોટ: 'બંટી બબલી'એ એક-બે નહીં 19 કરોડનું કરી નાંખ્યું; બંટી કેદમાં, બબલી ફરાર
ખાંડ, ચોખા, ઘઉં, મેંદાના નામે 'બંટી બબલી'એ એક-બે નહીં 19 કરોડનું કરી નાંખ્યું. બંટી કેદમાં.
રાજકોટ: ખાંડ, ચોખા, ઘઉં, મેંદાના નામે 'બંટી બબલી'એ એક-બે નહીં 19 કરોડનું કરી નાંખ્યું. બંટી કેદમાં, બબલી ફરાર. જો તમે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હોય તો આ રિપોર્ટ જોવાનું ચૂકતા નહીં.
રાજકોટ: વર્ષ 2005 અને વર્ષ 2021માં બંટી ઓર બબલી અને બંટી ઓર બબલી ટુ નામની ફિલ્મ હિન્દી સિનેમામાં રિલીઝ થઈ હતી, ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે 19 કરોડ કરતાં પણ વધુ રૂપિયાની છેતરપિંડી કરનાર બંટી અને બબલી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંટી એટલે કે જતીન હરેશકુમાર અઢિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે બબલી એટલે કે ફોરમબેન જતીનકુમાર અઢિયા સહિતનાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જુઓ અમારા અહેવાલમાં કે કઈ રીતે બંટી અને બબલી ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને ફસાવતા હતા.
કેવી રીતે આચરતાં છેતરપિંડી?
જો તમે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હોય તો આ રિપોર્ટ જોવાનું ચૂકતા નહીં. જી હા, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માડાગાસ્કર ખાતે ઇનપુટ એક્સપોર્ટનો ધંધો કરનારા જતીનકુમાર અઢિયાને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે કે તેની પત્ની ફોરમબેન અઢીયા સહિતનાઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં એસીપી ક્રાઇમ ભરત બસીયાએ જણાવ્યું હતું કે, આ કામના આરોપી માડાગાસ્કર દેશ ખાતે ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છે. આરોપી દ્વારા અલગ-અલગ દેશોમાંથી ખાંડ, ચોખા, ઘઉં, મેંદો તેમજ હાર્ડવેર મટીરીયલ્સ આયાત તેમજ નિકાસ કરવામાં આવે છે. આરોપી શરૂઆતમાં કોઈપણ વેપારી પાસે માલ મંગાવીને તે માલનું એડવાન્સ પેમેન્ટ કરી આપતો હતો. ત્યાર બાદ સમયાંતરે માલ મંગાવી તેનું એડવાન્સ પેમેન્ટ કરી તેમનો વિશ્વાસ કેળવી લેતો હતો. અમુક સમય જતાં વેપારી પાસેથી માલ મંગાવી તેમના માલના પૈસા આપતો ન હતો. તેમજ વેપારીઓ જ્યારે આરોપી પાસે પૈસાની માંગ કરતા ત્યારે તેને અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. સાથે જ વેપારીઓને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ પણ આપતો હતો. વેપારીઓ પાસેથી મેળવેલા માલના તથા ઓર્ડરના એડવાન્સમાં લીધેલા રૂપિયા માડાગાસ્કરમાં ડોલરમાં લઈ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરી આંગડિયા મારફતે પોતાની પત્નીને મોકલી આપતો હતો.
એસીપી ક્રાઈમ ભરત બસિયાના જણાવ્યા પ્રમાણે, હાલ એક ફરિયાદી મળી કુલ પાંચ જેટલા વેપારીઓ સાથે બંટી બબલીએ 19, 59,76,350 રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ગુનાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે કે તે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના ગોરખધંધામાં સંકળાયેલો છે. અત્યાર સુધીમાં તેણે કોને-કોને પોતાના શિકાર બનાવ્યા છે. તેમજ ગુજરાત સહિત અન્ય કયા-કયા રાજ્યના વેપારીઓની સાથે પણ તેને છેતરપિંડી કરી છે. તેમજ આ ગુનાહિત કૃત્યમાં તેની સાથે તેની પત્ની સિવાય અન્ય કોણ કોણ સામેલ છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાહેર જનતાને અપીલ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ વેપારી આ બંટી બબલીના ગુનાહિત કૃત્યના ભોગ બન્યા હોય તો તેઓ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે. જેથી પોલીસ દ્વારા તેમને ન્યાય અપાવી શકાય. પોલીસનું કહેવું છે કે, છેતરપિંડીનો આંક આગામી દિવસોમાં 30 કરોડને પણ પાર પહોંચે તો નવાઈ નહીં.