રાજકોટઃ સેશન્સ કોર્ટ દ્વારા પાંચ વર્ષ જૂના દુષ્કર્મના બનાવવામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા સંભળાવી છે. વર્ષ 2018માં કૌટુંબિક કાકાએ કૌટુંબિક ભત્રીજી સાથે બે-બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આખરે પાંચ વર્ષ બાદ પીડિતા તેમજ તેના પરિવારજનોને ન્યાય મળ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી બે-બે સંતાનોની માતાએ પોતાના જ કૌટુંબિક કાકા યોગેશ ઉર્ફે ભીખુ કાશીરામ કુબાવત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. કૌટુંબિક કાકાએ કાળભૈરવનો કોપ બતાવી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. પરણીતાના લગ્ન વર્ષ 2011માં થયા હતા. પરંતુ પતિના વ્યવસાયમાં બરકત ન આવતી હોવાની જાણ આરોપી યોગેશ કાકાને થઈ હતી. ત્યારે આ બાબતનો ગેરલાભ લેવા માટે આરોપીએ પીડિતાને જણાવ્યું હતું કે, ‘તેના પરિવાર ઉપર કાળભૈરવનો કોપ છે. કાળભૈરવનો કોપ દૂર કરવો હોય તો તેને કાળભૈરવ સાથે સહશયન કરવું પડશે, અન્યથા કાળભૈરવના વધુ કોપ માટે પરિવારજનોએ તૈયાર રહેવું પડશે.’
આરોપીની પત્નીને કાળભૈરવ સાથે સંબંધ બાંધે છે, તેમ કહી પોતાના નિર્વસ્ત્ર ફોટા બતાવ્યા હતા. જેથી પીડિતા કૌટુંબિક કાકાની વાતમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેણે બે વખત કૌટુંબિક કાકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ પતિના ધંધામાં કોઈ સુધારો વધારો ન થતા તેને સઘળી હકીકત પોતાના પતિને જણાવી હતી. ત્યારબાદ પોતાના પતિના કહેવા પ્રમાણે તેને પોતાના જ કૌટુંબિક કાકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીને આજીવન કેદની સજા
બચાવ પક્ષે દલીલ કરતા જણાવ્યુ હતુ કે, ફરિયાદી દ્વારા અગાઉના ઝઘડાનું વેર રાખી દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જો કે સરકારી વકીલ એસ.કે વોરાની રજૂઆતના આધારે કોર્ટે પુરાવાના આધારે આરોપીને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે.