રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સતત ત્રણ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા તેઓ સભાસદ તરીકે ચાલુ રહેવા અસમર્થ હોવાથી વોર્ડ નં.૧૮ ની આ "સામાન્ય સ્ત્રી અનામત" કક્ષાની બેઠક ખાલી પડતી હોવા અંગે મ્યુનિસિપલ સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને જાણ કરતા આ અંગે ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યુ કે, મ્યુનિસિપલ સેક્રેટરીએ અત્રે પાઠવેલા પત્રમાં વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સતત ૩ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા જી.પી.એમ.સી. એક્ટ,૧૯૪૯ની કલમ-૧૧ મુજબ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સભાસદ તરીકે મટી જવા અંગે જાણ કરી હતી.”
તેમણે વધુમાં જણાવ્યુ કે, વિશેષમાં, જી.પી.એમ.સી. એક્ટ,૧૯૪૯ની કલમ-૧૧(૧) મુજબ કોર્પોરેટરની જગ્યા જે તારીખથી ખાલી પડી હોય તે તારીખથી ૩ (ત્રણ) માસમાં ત્યાં ચૂંટણી કરી જગ્યા પૂર્વી જરૂરી બનતી હોઈ, આ સંદર્ભમાં ચૂંટણી પંચ અને રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને જાણ કરવામાં આવેલી છે. આ બેઠક તા. ૧૩-૮-૨૦૧૮ થી ખાલી પડેલી છે તેમ પણ ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે. રાજકોટ નગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે.