રાજકોટ;રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ, રસ્તા, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, આરોગ્યને લગતા મૂળભુત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
શહેરમાં લોકો દ્વારા ભોંયતળિયે કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા લોકોને ને લેખિત તાકિદ કરી, ડી-વોટરીંગ મશીનરી જપ્ત કરી નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે.
આ આદેશનાં પગલે આજે સેન્ટ્રલ ઝોનમાં 8, વેસ્ટ ઝોનમાં 2 અને ઈસ્ટ ઝોનમાં 1 પંપ જપ્ત કરવામાં આવ્યાં છે.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.14માં ગીતાનગર-6માં મીત બિલ્ડર દ્વારા તેમની સાઈટ ખાતે ભરાયેલા પાણીનો રોડ પર નિકાલ કરવામાં આવી રહયો હોવાનું જણાતા તેમનો ડી-વોટરિંગ પંપ જપ્ત કરાયો હતો, જ્યારે વોર્ડ નં.7માં ડો. યાજ્ઞિક રોડ પર કોટક મહિન્દ્રા બેંકવાળા બિલ્ડિંગમાંથી 1, તેની બાજુમાં આવેલા ઓપ્શન શો-રૂમવાળા બિલ્ડિંગમાંથી 1, એ.જી.એમ. જીમવાળા બિલ્ડિંગમાંથી 1, ટાગોર રોડ પર ડો. આશિષ વેકરિયાની હોસ્પિટલવાળા બિલ્ડિંગમાંથી 1, એસ્ટ્રોન ચોકમાં, નચિકેતાની બાજુમાં મારૂતી મેનોર કોમ્પ્લેક્સમાંથી 1 અને ભાલોડિયા સ્કૂલ સામે હરી પેલેસવાળા બિલ્ડિંગમાંથી 1 પંપ, તથા ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.5માં રણછોડનગર – 10માં "બોમ્બે હાઈટ્સ" કન્સ્ટ્રકશન સાઈટ ખાતેથી પણ રોડ પર પાણી છોડવામાં આવતા હોવાનું જોવા મળતા પંપ જપ્ત કરવામાં આવ્યાં છે.
દર વર્ષે ભારે વરસાદને કારણે શહેરમાં સ્થાનિક લોકો તથા બિલ્ડરો દ્વારા હયાત સેલરો તથા નવા બનતા બિલ્ડિંગનાં પાયાનાં ખોદાણમાં ભરાયેલા પાણીનો શહેરનાં મુખ્યઆંતરિક રસ્તાઓ પર તથા ભૂગર્ભ ગટરમાં ડી-વોટરીંગ કરીને નિકાલ કરતા હોવાનું ધ્યાને આવેલું છે.
આ રીતે પાણીનાં નિકાલને કારણે રસ્તાઓને ખૂબ જ નુકશાન થાય છે જેથી નાગરિકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદ્દભવે છે. આ ઉપરાંત આ પાણી ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવાને કારણે હયાત ભૂગર્ભ ગટરની પાઇપલાઇનોમાં ઓવર કેપેસિટીને કારણે ગટર ઉભરાવાની સમસ્યા ઉદ્દભવે છે તથા ડ્રેનેજ પાઇપલાઇનો દિવસો સુધી હેડિંગ થવાના કારણે ભૂગર્ભ ગટરનાં ગંદા પાણી ઉભરાઇને રસ્તા ઉપર ફેલાય છે, જેનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં ગંદકી ફેલાવાને લીધે લોકોનું આરોગ્ય જોખમાય છે.