Home /News /rajkot /Rajkot Firing Video Viral: રાજકોટના યુવકે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાઇરલ
Rajkot Firing Video Viral: રાજકોટના યુવકે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાઇરલ
રાજકોટમાં યુવકે જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વાઇરલ થયો હતો
Rajkot Firing Video Viral: શહેરના એક યુવાને ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો અને ત્યારબાદ તે વાઇરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક ધોળા દિવસે જાહેરમાં ‘એકલો પણ એકડો’ ગીત સાથે ફાયરિંગ કરી વીડિયો બનાવે છે.
રાજકોટઃ શહેરના એક યુવકનો જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક ધોળે દિવસે જાહેરમાં ‘એકલો પણ એકડો’ ગીત સાથે હાથ ઊંચો કરી ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે હાલમાં વાઇરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ વારંવાર બનતા રાજકોટ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. શહેરમાં જાણે પોલીસનો ડર રહ્યો જ નથી તે રીતે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસ તંત્રની સતર્કતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
જન્માષ્ટમીએ પણ જાહેરમાં ફાયરિંગ થયું હતું
રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દિનેશ ઉર્ફે વિરમ ગોલતર નામના વ્યક્તિએ પરવાનાવાળા હથિયારથી જાહેરમાં ફાયરિંગ કરવા મિત્ર જીવન નાગજીભાઈ મકવાણાને આપ્યું હતું. એક તરફ લોકો જન્માષ્ટમીના ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત હતા તો બીજી તરફ જીવણ નાગજીભાઈ મકવાણાએ પોતાના મિત્રના પરવાના વાળા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ધકપકડ કરી હતી.
આ પહેલાં રાજકોટની એક યુવતીએ પણ પતિની રિવોલ્વર લઈ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારવા માટે આ વીડિયો બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાએ ‘લોગ પહેચાન જાતે હૈ’ના ડાયલોગ સાથે જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો બનાવ્યો હતો. જે વાઇરલ થયો હતો. ત્યારે પોલીસને આ મામલાની જાણ થતા મહિલાની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલાએ પતિના હથિયારનો ઉપયોગ કર્યો હતો
આ મુદ્દે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ તૃપ્તિ સાવલિયા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર ફાયરિંગ કરતો એક વીડિયો અપલોડ કર્યો છે, જે એક ગુનો છે. પોલીસ તપાસમાં મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે તેમના પતિની ગનમાંથી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ હથિયાર તેના પતિના પરવાના વાળું હોય તો તેની સામે પણ કાર્યવાહી થઇ શકે તેમ છે ત્યારે આ હથિયાર અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.