Home /News /rajkot /રાજકોટમાં હાર્દિક પટેલની હાજરીમાં બીજેપી કોર્પોરેટર કૉંગ્રેસમાં જોડાયા, મનપાની ચૂંટણી પહેલા ભાજપને ફટકો

રાજકોટમાં હાર્દિક પટેલની હાજરીમાં બીજેપી કોર્પોરેટર કૉંગ્રેસમાં જોડાયા, મનપાની ચૂંટણી પહેલા ભાજપને ફટકો

હાર્દિક પટેલની ફાઇલ તસવીર

સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડના વેપાર એસોસિએશનના પ્રમુખ તેમજ ABVP અને યુવા ભાજપના 20 જેટલા હોદેદારો પણ કૉંગ્રેસમાં જોડાયા છે.

રાજકોટ : પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Gujarat Congress working president Hardik Patel) આજે રાજકોટમાં હાજર છે. આજે તેમની હાજરીમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર કૉંગ્રસ (Congress)માં જોડાયા હતા. રાજકોટના વોર્ડ નંબર-5નાં મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાએ આજે હાર્દિક પટેલની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ ઘટનાને આગામી દિવોસમાં આવી રહેલી કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપ માટે ફટકા સમાન ગણવામાં આવી રહી છે. આ દરમિયાન હાર્દિક પટેલે એવો પણ દાવો કર્યો હતો કે હજુ પાંચ જેટલા ભાજપના કોર્પોરેટરો કૉંગ્રેસના સંપર્કમાં છે. આગામી દિવસોમાં તેઓ પણ કૉંગ્રેસમાં જોડાશે.

બીજી તરફ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડના વેપાર એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી કૉંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત ABVP અને યુવા ભાજપના 20 જેટલા હોદેદારો પણ કૉંગ્રેસમાં જોડાયા છે. રાજકોટમાં એક એનજીઓ ચલાવતા સામાજિક મહિલા આગેવાન ચાંદનીબેન લીંબાસીયા પણ આજે કૉંગ્રેસમાં જોડાયા છે.

આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, 2015માં અમે ફક્ત બે બેઠક માટે બોર્ડ ન બનાવી શક્યા પરંતુ આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ રાજકોટમાં ચોક્કસ બોર્ડ બનાવશે. રાજકોટની અંદર આજે હજારો લોકો કૉંગ્રેસમાં જોડાવાના હતા પરંતુ અમે લોકોનો જીવ જોખમમાં ન મૂકી શકીએ એટલે ફક્ત આગેવાનોને જોડવાના કાર્યક્રમનું આયોજન થયું છે. વિપક્ષ તરીકે અમે ફક્ત વિરોધ જ નહીં પરંતુ સમાધાન પણ સરકારને આપ્યું છે.

ભાજપના કોર્પોરેટર કૉંગ્રેસમાં જોડાયા હોવા મામલે, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કૉંગ્રેસમાં જોડાશે તે અપેક્ષિત હતું. કોર્પોરેટર તેમજ તેમના પતિ 2 વર્ષથી પાર્ટી વિરોધી ગતિવિધિ કરતા હતા. ભૂતકાળમાં તેમને રાજીનામું આપવાનું નાટક કર્યું હતું. ગત અઠવાડિયે પણ તેમને હવે ક્યારેક ટિકિટ નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. દક્ષાબેને ટિકિટની લાલચે કૉંગ્રેસમાં ગયા છે.
First published:

Tags: RMC, કોંગ્રેસ, ચૂંટણી, ભાજપ, રાજકોટ, હાર્દિક પટેલ