રાજકોટ: નોકરી મેળવવા ઇચનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એઇમ્સ હોસ્પિટલ ખાતે જોઈનીંગ લેટર સાથે પહોંચનારી યુવતીને હોસ્પિટલ પહોંચી જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલે એઇમ્સ હોસ્પિટલ ખાતે ફરજ બજાવનારા એડમીન ડિપાર્ટમેન્ટના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જયદેવસિંહ વાળાએ રાજકોટના ડો.અક્ષય જાદવ વિરુદ્ધ પડધરી પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ 465,468,471 હેઠળ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર તરીકે ફરજ બજાવનારા જયદેવ સિંહ વાળાએ રાજકોટ ગ્રામ્યના પડધરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા જણાવ્યું છે કે, આરોપી ડો અક્ષય જાદવ દ્વારા હોસ્પિટલનો બનાવટી જોઈનિંગ લેટર તૈયાર કરી એઇમ્સ હોસ્પિટલ સાથે ઠગાઈ કરવાનાં ઇરાદે ખોટો દસ્તાવેજી પુરાવાનો સાચા દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ કરેલ છે.
વિડીયોગ્રાફીથી ઇન્ટરવ્યૂ લીધો
પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, ગત 20 તારીખના રોજ હું સવારે સાડા અગિયાર વાગ્યા આસપાસ હોસ્પિટલ ખાતે હાજર હતો. ત્યારે સિક્યુરિટી સુપરવાઇઝર ઇન્દ્રજીતસિંહ પરમાર મારી પાસે આવ્યા હતા. મારી પાસે આવીને મને જણાવ્યું હતું કે એક બહેન તમને મળવા માગે છે. ત્યારબાદ તે મહિલાએ મને અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થાન રાજકોટ ગુજરાત લખેલું તેમ જ એઈમ્સ હોસ્પિટલના સિમ્બોલવાળો પત્ર મને આપ્યો હતો. જેમાં અંગ્રેજીમાં જોઇનિંગ લેટર લખ્યું હતું. જે લેટરમાં ડિયર નિકિતા મુકુંદભાઈ પંચાલ લખેલ હતું. તો સાથેજ લેબ ટેકનિશિયન તરીકે 16/02/2023 ના રોજથી માસિક 36000રૂ.ના પગાર સહિતનો ઉલ્લેખ જોવા મળેલ હતો.
સમગ્ર મામલે નિકિતા બહેનને લેટર બાબતે પૂછતા તેઓને આ લેટર રાજકોટમાં રહેતા ડો. અક્ષય જાદવ નામની વ્યક્તિએ આપેલ હોવાનું જણાવ્યું હતું. તો સાથેજ તેણીએ જણાવ્યું હતું કે, તેણીએ એમએસસી સુધીનો અભ્યાસ કરેલ છે. તો સાથે જ એઇમ્સ હોસ્પિટલમાં નોકરીની જગ્યા ખાલી હોય તેથી ડોક્ટર અક્ષય જાદવે અમારા ડોક્યુમેન્ટ તપાસી, અમારું વિડીયોગ્રાફીથી ઇન્ટરવ્યૂ લઈ અમને નોકરી માટે એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો. ત્યારે અમારા દ્વારા નિકિતા બહેનને જણાવવામાં આવ્યું હતું કે, એઈમ્સ હોસ્પિટલ ખાતે આવી લેબ ટેકનિશિયનની ભરતી થયેલ નથી.
ડો.અક્ષય જાદવ પોતાને એઇમ્સનો ડીન હોવાનું જણાવતો
મળતી માહિતી મુજબ અક્ષય જાદવે સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા અપલોડ કર્યા હતા. જે ફોટા તેણે રાજકોટ સ્થિત નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગ પાસે પડાવ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. તો સાથે જ પોતે એઇમ્સનો ડીન હોવાની હવા પણ ઉભી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અક્ષય જાદવ પોતે પણ તબીબ હોવાથી તેનો વ્યવહાર પણ તે મુજબનો હોવાથી તબીબી અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારો પણ તેની વાતોમાં આસાનીથી આવી જતા હતા.
ભોગ બનનાર યુવતી તેના જીજાજીના મિત્ર થકી સંપર્કમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોકરી અપાવ્યા બાદ બેથી અઢી લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ડો અક્ષય જાદવની તબીબી ડિગ્રી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર અક્ષય જાદવ બીએએમએસની ડિગ્રી ધરાવતો હોવાનું જણાવ્યું છે. તેમજ અગાઉ રાજકોટની ડાંગર કોલેજમાં નોકરી કરતો અને ત્યાંથી છૂટો કરી દેવામાં આવતા નાગેશ્વરમાં પ્રાઇવેટ દવાખાનું પણ તેને ચલાવ્યું હતું.