રાજકોટ: જેતપુરના જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે ફોર વ્હીલરચાલકે અડફેટે લેતાં બે પિતરાઈ ભાઈઓના મોત નિપજ્યાં છે. બંને પિતરાઈ દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બંનેના અકસ્માતમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમનો માહોલ છે.
બંને ભાઈઓ હવામાં ફૂટબોલની જેમ ઉછળી રેલિંગ સાથે અથડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, શૈલેષ ગોહિલ અને તેના પિતરાઇ સુનિલ ગોહિલના અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના તત્કાલ હનુમાનજી ચોકડી નજીક એક કારખાનામાં શૈલેષ ગોહિલ રાત પાળી કરી પરત ફરતો હતો, ત્યારે સવારમાં તેનો પિતરાઇ સુનિલ ગોહિલ જે જૂનાગઢમાં મજૂરી કામ કરે છે, તેને લેવા પહોંચ્યો હતો. ઘરે જતા પૂર્વે બંને ભાઈઓએ કારખાને ચા બનાવીને પીવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેઓ દૂધ લેવા ગયા હતા. પરંતુ દૂધ લઈને જ્યારે બંને ભાઈઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ફોર વ્હીલરચાલકે બંને ભાઈઓને અડફેટે લીધા હતા. કારની ટક્કરે બંને ભાઈઓ હવામાં ફૂટબોલની જેમ ઉછળી રેલિંગ સાથે અથડાયા હતા અને બાદમાં જમીન પર પટકાતા બંને ભાઈઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક અસરથી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો. તેમજ બન્ને ભાઇઓના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે પિતરાઈ ભાઈઓના મોત થતાં ગોહિલ પરિવારમાં માતમનો માહોલ છે.