રાજકોટઃ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી જ્યુબેલી પોલીસ ચોકીમાં ઘરચોરીના આરોપીએ પૂછપરછ દરમિયાન તીક્ષણ હથિયારનો ઘા પોતાના ગળા પર મારી સ્યુસાઈડ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે એસીપી દક્ષિણ બીજે ચૌધરીએ વાતચીત કરતા જણાવ્યુ હતુ કેa, ગુરૂવારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રજપૂતપરા મેન રોડ પર આવેલી દિપક એન્ડ કંપની નામની દુકાનમાં સેનેટરીવેર અને બાથફીટીંગના માલસામાનની ઘરફોડ ચોરીના ગુનામાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બંને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ અનિલ ચારોલીયા (ઉવ.30) અને વિકી તરેટીયા (ઉવ.23)ની પીએસઆઇ સમક્ષ પૂછપરછ ચાલી રહી હતી. આ દરમિયાન અનિલ ચારોલીયા નામના આરોપીએ પોતાના ગળા પર તીક્ષણ હથિયારનો ઘા મારી પોતાને જ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ 108 મારફતે ગણતરીની મિનિટોમાં આરોપીને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ગણતરીની મિનિટોમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા એફએસએલની મદદ પણ લેવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અનિલ ચારોલીયા અગાઉ 2017માં માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરવામાં આવેલ ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ ગુરૂવારના રોજ બંને આરોપીઓને 1.83 લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ત્યારે પોલીસ કસ્ટડીમાં આરોપીએ પૂછપરછ દરમિયાન આત્મહત્યા કરી લેતા અનેક સવાલો હાલ સ્થાનિક પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં આરોપી પાસે કઈ રીતે તીક્ષણ હથિયાર પહોંચ્યું તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં શું તથ્ય સામે આવે છે તે જોવું અતિમહત્વનું બની રહેશે.