રાજકોટની સિનર્જી હોસ્પિટલના મહિલા તબીબે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી તબીબ તરીકે સેવા આપતી મહિલાએ મોડી રાત્રે પોતાના ફ્લેટ પર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરીછે.
મળતી માહિતી અનુસાર, બિંદીયાબેન બોખાણી છેલ્લા એક વર્ષથી સિનર્જી હોસ્પિટલના ઓપીડી વિભાગ અને ઇમર્જન્સી વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેમજ અગાઉ તેઓ હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી કરતા હતા. મહિલા તબીબ બિંદીયાબેન બોખાણી (ઉવ.25) માધાપર ચોકડી પાસે આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ આંગન-1માં રહેતા હતા. ગઈકાલે રાત્રે બિંદીયાબેનના માતા જાનુબેન બોખાણીએ દીકરીને ફોન કર્યો હતો. ત્યારે દીકરીએ ફોન ઉપાડ્યો નહોતો. ત્યારે આ મામલે માતાએ બિંદિયાના પિતાને વાત કરી હતી. ત્યારે પાડોશીને વાતની જાણ કરી દરવાજો ખોલાવતા મહિલા ડોક્ટરનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, ‘હું જિંદગીથી કંટાળી ગઈ છું, બધા ખુશ રહેજો કોઈનો વાંક નથી.’
પોલીસની પ્રાથમિક તપાસમાં બિંદિયા બહેનના પિતા ગોવિંદભાઈ બોખાણી નિવૃત્ત શિક્ષક છે. તેમજ અગાઉ તેઓ સરપદડ નોકરી કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે ગોવિંદભાઈ બોખાણી અને તેમના પત્ની જાનુબેન કોઈ કામસર જૂનાગઢ ગયા હતા અને ત્યારે ઘરે દીકરી એટલી હતી. આ સમયે મહિલા તબીબે આત્મહત્યા કરી હતી.
તો બીજી તરફ સમગ્ર મામલે પીએમ થઈ ગયા બાદ દીકરીની લાશ સમજીને તેના માતા-પિતા અંતિમવિધિ માટે પોતાના મૂળ ગામ તરફ ખાતે લઈ જઈ રહ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેઓ જે પોતાની દીકરીનો મૃતદેહ સમજીને લઈ જઈ રહ્યા છે. તે તેમની દીકરીનો મૃતદેહ નથી પરંતુ અન્ય મહિલાનો છે. ત્યારે પરિવારજનો ફરી પાછા પીએમ રૂમ ખાતે આવ્યા હતા અને ત્યારે ફરજ પર હાજર પ્યુન દ્વારા તેમની દીકરીનો મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો. આમ બોખાણી પરિવારને તેમની દીકરીના મૃતદેહ ની જગ્યાએ બીજી મહિલાનો મૃતદેહ આપી દેવામાં આવ્યો હતો.