Home /News /rajkot /રાજકોટ: સ્માર્ટ સિટી કે ટેન્કર સીટી? 18 પૈકી 10 વોર્ડમાં અપાય છે ટેન્કર મારફતે પાણી!

રાજકોટ: સ્માર્ટ સિટી કે ટેન્કર સીટી? 18 પૈકી 10 વોર્ડમાં અપાય છે ટેન્કર મારફતે પાણી!

મહિલાઓએ મહાનગરપાલિકામાં વિરોધ પણ નોંધાવ્યો હતો

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ પૈકી 10 વોર્ડમાં આજની તારીખે પણ ટેન્કર રાજ યથાવત. ટેન્કર મારફતે માત્ર સાત મિનિટ પાણી...

રાજકોટ: શહેરની ગણના ગુજરાતના ચાર મેટ્રો સિટીમાં થાય છે. તેમજ રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ પૈકી 10 વોર્ડમાં આજની તારીખે પણ ટેન્કર રાજ યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે જુઓ આ અંગે અમારો આ રિપોર્ટ. ક્યારે છીપાશે તરસ!

ટેન્કર મારફતે માત્ર સાત મિનિટ પાણી આપવામાં આવે છે

હાલ દિવસે અને દિવસે રાજકોટ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બીજી તરફ, લોકોના ઘરમાં કરવામાં આવેલા બોર સુકાઈ રહ્યા હોવાને ઘટના પણ સામે આવી રહી છે. કહેવાતા રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં 18 વોર્ડ પૈકી 10 વોર્ડમાં રાજકોટના જામનગર રોડ પર આવેલા સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં 300થી વધુ ઘર આવેલા છે અને જેમાં 1500થી વધુ લોકો વસવાટ કરે છે. તેમ છતાં અહીંના લોકોને એકાત્રા મહાનગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે માત્ર સાત મિનિટ પાણી આપવામાં આવે છે. જેના કારણે થોડાક દિવસો પૂર્વે અહીંની મહિલાઓએ મહાનગરપાલિકામાં વિરોધ પણ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, હજુ આજે અને કાલે માવઠું ધમરોળશે; 10 માર્ચથી ગરમી દઝાડશે

આજે પણ માધાપર ગામ અને તેની સોસાયટીઓ ટેન્કર પર નિર્ભર છે

છેલ્લી બે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મહાનગરપાલિકા દ્વારા ક્યારેક બે તો ક્યારેક પાંચ જેટલા ગામોને પોતાના વિસ્તારમાં સમાવવામાં આવે છે. 2015 કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેરના વાવડી અને કોઠારીયા વિસ્તારને મહાનગરપાલિકાની હદમાં સમાવવામાં આવ્યા હતા. તેમજ 2020ની કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટા મૌવા સહિતના 5 ગામોનો સમાવેશ મહાનગરપાલિકાની હદમાં કરવામાં આવ્યો હતો. પરંતુ જોવા જેવી વાત તો એ છે કે, આજે નવ વર્ષ બાદ પણ રાજકોટ શહેરના કોઠારીયાને વાવડી ગામમાં ટેન્કર રાજ યથાવત છે. બીજી તરફ અઢી વર્ષ પૂર્વે પડેલા માધાપર ગામની સોસાયટીઓમાં પાણીની પાઇપલાઇન માટે ખાડો સુદ્ધાં ખોદવામાં નથી આવ્યો. લોકોનું કહેવું છે કે, એક મહિના પૂર્વે તેઓએ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો, ત્યારે મેયર સહિતનાઓએ આશ્વાસન આપ્યું હતું કે, એક મહિનામાં પાણીની પાઇપલાઇન નાખવાનું શરૂ થઈ જશે. પરંતુ આજે પણ માધાપર ગામ અને તેની સોસાયટીઓ ટેન્કર પર નિર્ભર છે. બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેય પણ દેખાતા નથી.

કેબિનેટ કક્ષાના મંત્રીના વોર્ડમાં પણ ટેન્કરના માધ્યમથી પાણી આપવાની ફરજ પડી રહી છે

કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગના આંકડા પ્રમાણે, માત્ર પશ્ચિમ રાજકોટમાં આવેલા વોર્ડ નંબર 1, 8, 9, 10, 11 અને 12માં ટેન્કરના માધ્યમથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે, વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા હાલ યથાવત છે. આમ કેબિનેટ કક્ષાના મંત્રીના વોર્ડમાં પણ ટેન્કરના માધ્યમથી પાણી આપવાની ફરજ પડી રહી છે. આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાનું કહેવું છે કે, નવા પડેલા વિસ્તારો માટે પાણીની પાઇપલાઇનના કામકાજ મંજૂર થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે. અમૃત 2.0માં 1400 કરોડના કામ રાજકોટ મહાનગરપાલિકાએ મંજૂર કરાવ્યા છે. જેમાંથી બે કામોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે, જેમાં ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનનો સમાવેશ થાય છે.

માત્ર રાજકોટ પશ્ચિમમાં આજની તારીખે 104 જેટલા ટેન્કરો મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે કહેવાતા સ્માર્ટ સિટીમાં સત્તાધીસો દ્વારા વર્ષોથી 24 કલાક પાણી આપવાની વાતો કરવામાં આવે છે. જે વાયદાઓ માત્ર વાયદા જ બની રહ્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News