રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાની આખરે ફરિયાદ નોંધવામાં આવી છે. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે મોરબીના આર્યન કન્સ્ટ્રક્શન વાળા વિનેશ મોહનભાઈ સવસેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ન્યાય નહીં મળતા મહિલા આપઘાતનો પ્રયાસ કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક મહિલાએ ન્યાય નહીં મળતા ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ મહિલાની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે મોરબીના બિલ્ડર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે આ મામલે પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે.
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, ‘મોરબીના આર્ય કન્સ્ટ્રક્શન વાળા વિનેશ સવસેતાએ મને પ્રેમ જાળમાં ફસાવી અલગ અલગ સ્થળે લઈ જઈ બે વર્ષ સુધી મારી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ મને મારમારી તરછોડી દીધી હતી.’ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા પાંચેક વર્ષ પૂર્વે કટલેરીની દુકાનમાં નોકરી કરતી હતી. તે દરમિયાન ફોનમાં વાતચીત થયા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન વિનેશ સવસેતાએ મોરબી તેમજ હડાળા સહિતના સ્થળે લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. તેમજ મહિલાનો ઉપયોગ કર્યા બાદ તેને માર મારી તર છોડી દેવામાં આવી હતી.
દરમિયાન મહિલાએ ન્યાય માટે પોલીસની મદદ માગી હતી. તેમજ સોમવારે મહિલા પોલીસમાં યોજાયેલા લોક દરબારમાં પણ ન્યાય માટે ગુહાર લગાવી હતી. પરંતુ ત્યાં પણ પોલીસે તેની મદદ ન કરતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલ કુવાડવા પોલીસે સમગ્ર મામલે મહિલાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. તેમજ મહિલાએ કરેલ ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે, તેમજ સાંયોગીક પુરાવા એકઠા કરવા માટે પણ કુવાડવા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.