ન્યૂઝ18 ગુજરાતી : રાજકોટમાં ગુરુવારે પોલીસ કોન્સ્ટેબલ અને એએસઆઈના આપઘાતના બનાવ બાદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મહત્વનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે એએસઆઈ અને જમાદારોએ ફરજ પૂર્ણ થયા બાદ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર પોલીસ મથકે જમા કરાવવી પડશે. આદેશ બાદ હવે કોઈ પણ એએસઆઈ કે પછી જમાદાર પોતાના ઘરે રિવોલ્વર લઈને નહીં જઈ શકે. ફરજ પર હાજર થયા બાદ તેઓ પોતાની રિવોલ્વર લઈ શકશે. આ પહેલા પણ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધાના બનાવો સામે આવ્યા બાદ પોલીસ કમિશ્નર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા અને એએસઆઈ ખુશ્બુએ ગુરુવારે સર્વિસ રિવોલ્વરમાંથી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં એવી વિગતો સામે આવી છે કે ખુશ્બુ લગ્ન માટે દબાણ કરતા હોવાથી પરિણીત રવિરાજે પહેલા ખુશ્બુની સર્વિસ રિવોલ્વરથી તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો.
આપઘાત અને હત્યાના બનાવ બાદ પોલીસે તપાસ માટે એફએસએફલ ટીમની મદદ લીધી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે રવિરાજસિંહના માથામાંથી ગોળી આરપાર થઈ ગઈ હતી. આથી તેમણે લમણે ગોળી રાખીને ટ્રિગર દબાવ્યું હોવાનું માનવામાં આવે છે. જ્યારે ખુશ્બુને જે ગોળી મારવામાં આવી હતી તે તેના માથામાં જ ફસાઈ રહી હતી. તપાસ કરતા ઘરની તમામ વસ્તુઓ જેમની તેમ પડી હતી. રવિરાજ અને ખુશ્બુના શરીરમાં ઈજાના બીજા કોઈ નીશાન ન હતા.