Home /News /rajkot /

Rajkot Bribe Case: રાજકોટમાં પાસપોર્ટ માટે 20,000ની લાંચ માંગનાર જમાદાર સામે ફરિયાદ દાખલ, લાંચનો વીડિયો થયો હતો વાયરલ

Rajkot Bribe Case: રાજકોટમાં પાસપોર્ટ માટે 20,000ની લાંચ માંગનાર જમાદાર સામે ફરિયાદ દાખલ, લાંચનો વીડિયો થયો હતો વાયરલ

લાંચ માંગનાર જમાદાર

Rajkot Bribe Case: પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પોલીસ કમિશનર કચેરીમાં પાસપોર્ટ શાખામાં ફરજ બજાવતા મયુરભાઈ તેમજ તેના વચેટિયા ચંદ્રશેખર વિરુદ્ધ ગુનો નોંધી બંનેની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટ: Rajkot Bribe case: રાજકોટ શહેરમાં લોકોએ સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ પાસે પોતાનું કાયદેસરનું કામ કરાવવા પણ લાંચ આપવી પડતી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પાસપોર્ટ કઢાવવા જેવી બાબતમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા જમાદાર મયુર અને તેના વચેટિયાએ લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડીયો વાયરલ થયાના ગણતરીના દિવસમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં જમાદાર મયુર અને તેના વચેટિયા ચંદ્રશેખર સામે ગુનો નોંધાયો છે. આ ગુના સબબ બંનેની અટકાયત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કમિશન કાંડમાં સંડોવાયા બાદ ક્રાઇમ બ્રાંચના પી.આઈ, પી.એસ.આઈ સહિતનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મનોજ અગ્રવાલની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ બે મહિના સુધી રાજકોટ શહેરની કમાન ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ખુર્શીદ અહેમદ પાસે હતી.

રાજુ ભાર્ગવ રાજકોટના નવા સીપી


આ સમય દરમિયાન પણ રાજકોટ પોલીસ અનેક વિવાદોમાં સપડાઈ હતી. આખરે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવ (Raju Bhargav)ની નિયુક્તિ કરવામાં આવી છે. રાજુ ભાર્ગવની પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ થતાની સાથે જ વધુ એક વખત શહેર પોલીસ વિવાદમાં સપડાતા તાત્કાલિક અસરથી રાજુ ભાર્ગવે ગુનાહિત કૃત્ય આચરનાર જમાદાર અને તેના વચેટિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જે અંતર્ગત પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પોલીસ કમિશનર કચેરીમાં પાસપોર્ટ શાખામાં ફરજ બજાવતા મયુરભાઈ તેમજ તેના વચેટિયા ચંદ્રશેખર વિરુદ્ધ ગુનો નોંધી બંનેની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: IPLની ટિકિટના કાળા બજાર કરવા જતાં વિદ્યાર્થી ઝડપાયો

પાસપોર્ટ માટે માંગી હતી  લાંચ


પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ પાસપોર્ટ કામ બાબતે ચંદ્રશેખર સાથે 29/4 થી લઇ 26/5 સુધી અનેક વખત વાતચીત કરી છે. ફરિયાદીને આરોપીએ એવું જણાવ્યું હતું કે, બ્રિજેશભાઈનો પાસપોર્ટ કઢાવવો ખૂબ જ અઘરું છે. પાસપોર્ટ કઢાવવો હોય તો તેના 20,000 રૂપિયા થશે. દરમિયાન પોલીસ કમિશનર કચેરી થોડેક દૂર ગીરનાર સામે આવેલી પાનની દુકાને ફરિયાદી પોતાના ખિસ્સામાં રહેલા રૂપિયા 10,000 જમાદાર મયુરભાઈને લાંચ પેટે આપ્યા હતા. ફરિયાદી પાસેથી મેળવેલા પૈસા મયુરભાઈ પોતે ગણી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.



સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ આરોપી મયુર અને ચંદ્રશેખર વિરોધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પ્રમોદ દીયોરા તરફથી હાથ ધરવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ, વાયરલ વીડિયો

આગામી સમાચાર