Mustufa Lakdawala,Rajkot : આપણે ઘણા લોકો પાસેથી એવુ સાંભળ્યું હશે કે પોલીસ ધારે તો પાતાળમાંથી ખોવાયેલી વસ્તુ પણ શોધી લાવે છે.આ કહેવતને સાચી સાબિત કરી છે રાજકોટની A ડિવિઝન પોલીસે.રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાંથી ગુમ થયેલો 18 તોલા દાગીના ભરેલો થેલો રાજકોટ પોલીસે ગણતરીની કલાકોમાં શોધીને તેના માલિકને પરત કર્યો છે.
મળતી માહિતી અનુસાર જીતુદાન ગઢવી નામના વ્યક્તિ લગ્ન પ્રસંગમાં જવા માટે તેમની પત્નીને રાજકોટ બસ સ્ટેન્ડ મૂકવા ગયા હતાં.ત્યારે જે બેગમાં સોનાના દાગીના હતા તે બેગ નીચે મૂકી પાણીની બોટલ લેવા ગયા હતા. પાણીની બોટલ લઈને પરત આવતા જે જગ્યાએ તેને થેલો રાખ્યો હતો.પણ પરત આવ્યા ત્યારે તેને તેનું બેગ ન મળતા તેમને પત્નીને દાગીના વાળી બેગ અંગે પૂછ્યુ તો તેની પાસે પણ ન હતી.
જેથી બેગની શોધખોળ કરી હતી પણ મળ્યું ન હતું.જેથી જીતુદાન ગઢવીએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ હાથ ધરી હતી.જેમાંથી એક ટીમે બસ સ્ટેન્ડમાં બનાવની જગ્યાના સીસીટીવી ચેક કર્યા હતા.
આ દરમિયાન જાણવા મળ્યું કે એક શખ્સ પરિવાર સાથે આ બેગ લઈને રાજકોટ-અમદાવાદ એસટીમાં ચડ્યો છે. આ વાત માલુમ પડતા જ પોલીસની એક ટીમ એસટી બસનો પીછો કરવા માટે તાત્કાલિક નીકળી હતી. આ એસટી બસ લીંબડી સુધી પહોંચી ત્યાં પોલીસના વાહને એસટી બસને ઓવરટેક કરી બસને ઉભી રખાવી હતી.
સીસીટીવીમાં જે વ્યક્તિ દાગીના ભરેલી બેગ લઈ જતો દેખાયો હતો તેની પાસેથી બેગ કબજે કરી હતી. જે વ્યક્તિએ બેગ લીધી હતી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ દાગીના ભરેલી બેગ તેમની પાસે રહેલી બેગ જેવી જ હતી.જેથી ભૂલથી આ બેગ બસ સ્ટેન્ડ પરથી તેઓએ લઈ લીધી હતી. બેગમાં 10 લાખની કિંમતના 18 તોલા દાગીના તેમના તેમ હતા અને તેના મૂળ માલિક જીતુદાન ગઢવીને પોલીસે ગણતરીની કલાકમાં પરત અપાવ્યા હતા. આમ જીતુદાન ગઢવી અને તેના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.