Home /News /rajkot /Rajkot News: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બબ્બે પેપર ફૂટ્યાં, વારંવાર રજૂઆત છતાં FIR નહીં!
Rajkot News: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બબ્બે પેપર ફૂટ્યાં, વારંવાર રજૂઆત છતાં FIR નહીં!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
Rajkot News: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને રાજકોટ શહેરના પોલીસ વિભાગને સાપ સૂંઘી ગયો હોય તેમ પેપર લીક થયાના 110 દિવસ બાદ પણ ફરિયાદ નોંધવા બાબતે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.
રાજકોટઃ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતાં રાજ્ય સરકારે ત્વરિત તપાસના આદેશ કરી ગણતરીની જ કલાકમાં FIR નોંધી આરોપીઓને પણ દબોચી લીધા છે. પરંતુ જાણે કે, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને રાજકોટ શહેરના પોલીસ વિભાગને સાપ સૂંઘી ગયો હોય તેમ પેપર લીક થયાના 110 દિવસ બાદ પણ ફરિયાદ નોંધવા બાબતે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આખરે સવાલ તો એ થાય છે કે, બે જેટલા પેપરો ફૂટ્યા તેમ છતાં 110 દિવસ બાદ પણ શા માટે પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી.
હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ
આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોંગ્રેસ પક્ષના નેતા ધરમ કાંબલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના રજીસ્ટર 10-10 વખત પોલીસ સ્ટેશનને ગયા તેમ છતાં પેપરલીક મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી છે. પોલીસ એફઆઈઆર લેવામાં ટેલી નીતિ દાખવી રહી છે. તો સમગ્ર મામલે કુલપતિ ગિરીશ ભીમાણીનું ધરમ કાંબલીયા કરતાં કંઈક જુદું જ નિવેદન સામે આવ્યું છે.
ગિરીશ ભીમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ‘હું પોતે પોલીસ પાસે ચાર વખત ગયો છું. પરંતુ દરેક વખતે પોલીસ કરી રહી છે કે, પોલીસ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ અમે એફએસએલ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ.’ આમ, સિન્ડિકેટ સભ્ય અને કુલપતિ બંનેના નિવેદનોમાં તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ તો એ થાય છે કે, આખરે પેપરલીક મામલે સામેલ આરોપીઓ અને કોલેજની બચાવવામાં કોને રસ છે પોલીસ કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશોને?
ત્યારે NSUIના પ્રદેશ પ્રમુખે પણ ચીમકી ઉચારી છે કે, જો આગામી 24 કલાકમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર બીકોમ સેમેસ્ટર પાંચ અને બીબીએ સેમેસ્ટર પાંચનું પેપર 13 ઓક્ટોબરના રોજ લેવામાં આવનાર હતું. જો કે પેપર લેવાય તે પૂર્વે જ 12 ઓક્ટોબરના રોજ બંને પેપર ફૂટી ગયા હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.