Rajkot Live CCTV: દિલીપસિંહ કાળુભા સોલંકી ગરાસિયા દરબાર પોતાની દુકાને હતા. આ સમયે રાત્રિના સવા એક વાગ્યાના અરસામાં ચેતન રાઠોડ, કુલદીપ વાઢેર, ગટ્ટો તેમજ એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવી ચઢ્યા હતા.
રાજકોટ: રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોઈ તે પ્રકારે એક બાદ એક લુખ્ખા તત્વોના આતંકના બનાવો સામે આવી રહી છે. રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન (Rajkot city taluka police station) વિસ્તારમાં આવેલા કાલાવડ રોડ (Kalavad Road) પર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. શ્રીજી પાન (Shriji Pan) નામની દુકાન બંધ કરાવવા ચાર જેટલા લુખ્ખાઓ આતંક મચાવતા હોઈ તે પ્રકારના સીસીટીવી ફૂટેલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલે તાલુકા પોલીસે ચાર જેટલા શખ્સો વિરૂદ્ધ આઈપીસીની કલમ 323, 324, 504, 506(2) અને 114 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
રાત્રિના સમયે બન્યો બનાવ
પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપસિંહ કાળુભા સોલંકી ગરાસિયા દરબાર પોતાની દુકાને હતા. આ સમયે રાત્રિના સવા એક વાગ્યાના અરસામાં ચેતન રાઠોડ, કુલદીપ વાઢેર, ગટ્ટો તેમજ એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવી ચઢ્યા હતા. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ચેતન રાઠોડ 'તું દુકાન બંધ કરી દે' કહી મારી સાથે ગાળા ગાળી કરવા માંડ્યો હતો. મેં તેને ગાળો બોલવાની ના પાડતાં મારી સાથે મારકૂટ કરવા લાગ્યા હતાં. સમગ્ર મામલે મને ઈજા પહોંચતા મને તાત્કાલિક અસરથી ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મને સાત ટાંકા પણ આવ્યા હતા.
ગાળાગાળી કરી માર માર્યો
ફરિયાદીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચેતન રાઠોડે મારી સાથે બોલા ચાલી કરી ગાળો આપી ઉશ્કેરાઈને થાપાની ડાબી બાજુની બેઠકના ભાગે ઈજા પહોંચાડી મને જાનથી મારી નાખવાની ધમકી હતી. તેમજ કુલદીપ વાઢેરે તેની પાસે રહેલો ધોકો મને માર્યો હતો. તેમજ ગટ્ટો અને તેની સાથે રહેલા અજાણ્યા માણસે મારી સાથે ગાળાગાળી મારી મૂંઢ માર માર્યો હતો. આમ ચારેય શખ્સોએ ગેરકાયદે મંડળી રચી મને શારીરિક તેમજ માનસિક ઈજા પહોચાડી છે.
આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ચારેય લોકો ફરિયાદને માર મારી રહ્યા છે. આ ઉપરાંત એક વ્યક્તિના હાથમાં ધોકો અને બીજાના હાથમાં છરી જેવું તીક્ષ્ણ હથિયાર પણ નજરે પડે છે. દુકાનદાર મારથી બચવા માટે દુકાનનું શટર અંદરથી બંધ કરી દે છે. જોકે, હુમલાખોરો બળજબરીથી શટર ખોલે છે અને દુકાનદારને માર મારે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર