Home /News /rajkot /Rajkot News: 'બોજ નહીં પગભર' મનોદિવ્યાંગ દીકરીઓના જીવનમાં રંગો ભરે છે 'એકરંગ' સંસ્થા

Rajkot News: 'બોજ નહીં પગભર' મનોદિવ્યાંગ દીકરીઓના જીવનમાં રંગો ભરે છે 'એકરંગ' સંસ્થા

X
રાજકોટમાં

રાજકોટમાં આવેલી છે અનોખી સંસ્થા

Rajkot : મનોદિવ્યાંગ દિકરીઓના જીવનમાં રંગો ભરે છે 'એકરંગ' સંસ્થા

  Mustufa Lakdawala,Rajkot : એક વિચારબીજ કલ્પવૃક્ષ બની બીજાના જીવનનું ઉત્થાન કરીને માનવતાની સરવાણી બનીને અન્ય માટે પ્રેરણસ્રોત બનતી હોય છે. તેવું વિચારબીજ રોપીને મનોદિવ્યાંગ બહેનો માટે કલ્યાણકારી બની છે દીપિકાબેન પ્રજાપતિ દ્વારા સંચાલિત "એકરંગ" સંસ્થા.સંતાનમાં દિકરી ન હોવાને કારણે અને મનોદિવ્યાંગ દિકરીઓને સમાજમાં આત્મનીરભર જીવન આપવા માટે પતિ કમલેશભાઈ પ્રજાપતિ સાથે તેમને "એકરંગ" સંસ્થા શરૂ કરી છે.  આ સંસ્થા અત્યારે મનોદિવ્યાંગ બાળકીઓના જીવનમાં અનેક રંગો ભરી રહી છે.

  છેલ્લા 12 વર્ષથી સંપૂર્ણ દાતાઓના સહયોગથી ચાલતી "એકરંગ" સંસ્થામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર, એક વાલી ધરાવનાર, આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવનાર જરૂરિયાતમંદ મનોદિવ્યાંગ, અપંગ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, અટેન્શન ડેફિસીટ હાયપર એકટીવિટી ડીસ ઓર્ડર સહિતની વિકલાંગતા ધરાવતી આશરે ૪૫ મનોદિવ્યાંગ દિકરીઓને નિઃશુલ્ક થેરાપી અને ડે કેર તાલીમ આપવામાં આવે છે.  સંસ્થા મનોદિવ્યાંગ બહેનોની ડિસેબિલીટી ઘટાડવા અને પોતાનું કામ જાતે કરી શકે તેટલી સક્ષમ બનાવવાના મુખ્ય હેતુ ખાનગી ડોક્ટરો અને તજજ્ઞો દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ, સેન્સરી ઇન્ટીગ્રેશન, સ્પીચ એન્ડ લર્નિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક એન્ડ ડાન્સ, સાઉન્ડ હીલિંગ, હાઇડ્રો અને પ્લે થેરાપી આપવામાં આવે છે.તેમજ સ્પેશિયલ એજ્યુકેશન, પ્રિ-વોકેશનલ તાલીમ, બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.  45 મનોદિવ્યાંગ દિકરીઓને પોતાની દિકરીની જેમ હૂંફ આપતા સંસ્થાના સંચાલક દીપિકાબેન પ્રજાપતિએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે સમાજનો અમુક વર્ગ આજે પણ સામાન્ય દિકરીઓને બોજ માનતા હોય છે ત્યારે મનોદિવ્યાંગ દિકરીની સાર સંભાળ રાખવામાં ઘણી ધીરજ, વિશાળ દિલ અને સવિશેષ સેવાની જરૂર હોય છે. અમારી સંસ્થામાં મોટાભાગની દિકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે તે સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવે અને પોતાનું કામ જાતે કરીને આત્મનિર્ભર બને તેના ઉપર વિશેષ ધ્યાન દેવામાં આવે છે.  આ મનોદિવ્યાંગ દિકરીઓને થેરાપી અને તાલીમ આપીને સંસ્થાની 6-7 જેટલી મનોદિવ્યાંગ દિકરીઓની દિવ્યાંગતા ઘટાડીને સમાજમાં પુનઃ સ્થાપિત કરી છે. આજે તેઓ તેના પરિવાર ઉપર બોજ બન્યા વિના સ્વયંની સાથે પરિવારને પણ મદદ રૂપ બની રહી છે.

  સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ પેરા ઓલમ્પિક, ખેલ મહાકુંભ સહિત જિલ્લાની અન્ય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક લઈ આવે છે. ચિત્ર સ્પર્ધા અને ભરત નાટ્યમ જેવી નૃત્ય સ્પર્ધામાં પણ અગ્રેસર હોય છે. સંસ્થામાં એવી પણ દિકરી છે જેણે અક્ષરજ્ઞાન વિના ગીતાના 27 શ્લોક કંઠસ્થ કર્યા છે.એક દિકરીએ તો ધોરણ 10ની પરીક્ષા પણ પાસ કરી છે.મારી સંસ્થાની દિકરીઓની જેમ જિલ્લાની અન્ય મનોદિવ્યાંગ દિકરીઓ પણ થેરાપી લઈને આત્મનિર્ભર બને તે માટે સંસ્થા તેઓ માટે નિ:શુલ્ક તાલીમ આપવાનું નવું સોપાન શરૂ કરવાની છે.ખાનગી હોસ્પિટલમાં એક કલાકની થેરાપીના આશરે 1100થી 1200 રૂપિયા ચાર્જ હોય છે જ્યારે અહિં દિકરીઓને નિ:શુલ્ક થેરાપી અને તાલીમ આપવામાં આવશે.  હર્ષદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આશરે 15 જેટલી મહિલા સ્ટાફ દ્વારા મનોદિવ્યાંગ દિકરીઓની સાર-સંભાળ લેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મનોદિવ્યાંગ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી પૌષ્ટિક તત્વોથી ભરપુર સવાર-સાંજ નાસ્તો અને બપોરે-રાત્રે ભોજન એમ કુલ 4 વખત આહાર આપવામાં આવે છે. રોજ બોડી ટેમ્પરેચર માપવામાં આવે છે તેમજ દર ત્રણ મહિને મેડિકલ ચેક અપ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તે માટે આધ્યાત્મિક જ્ઞાન અને ભજન કીર્તન પણ શિખડાવવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે શૂન્યમાંથી સર્જન કરીને દિકરીઓની મનોદિવ્યાંગતા ઘટાડીને આત્મનિર્ભર બનાવવા સુધીની સફર ખેડનાર દિપીકાબેન સમાજની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. સેવાકીય કાર્ય બદલ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત દિપીકાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે.  આ સેવાકીય કામોમાં તનની સેવા સાથે ધનની સેવા પણ એટલી જ જરૂરી છે. ત્યારે આ માનવધર્મનો ભાગ બનીને દિકરીઓને મુખ્યપ્રવાહમાં જોડવા આર્થિક રીતે મદદરૂપ બનવા માટે તમે ભારતનગર ચોક, ગુજરાત ફોર્જીંગ કંપની પાછળ, 80 ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે, રાજકોટ, મોબાઈલ નંબર 9137690064 પર સંપર્ક કરીને સંસ્થાની મુલાકાત લઈ શકો છો. આ સાથે જ કર્ણાટક બેંક લિમીટેડના ખાતા નં:6582000100049701, IFSC : KBRB0000658, ખાતાનું નામ 'એકરંગ ચિલ્ડ્રન્સ ડેવેલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ' અથવા UPI ID: aekrang@kbl પર આર્થિક સહાય કરી શકો છો. તેમજ વધુ વિગતો www.aekrang.org વેબસાઈટ પરથી મેળવી શકો છો.
  First published:

  Tags: Local 18, રાજકોટ

  विज्ञापन