રાજકોટ: બોટાદ અને અમદાવાદ જિલ્લામાં જે પ્રમાણે કેમિકલ કાંડ સામે આવ્યો છે, ત્યારબાદ ગૃહ વિભાગ તરફથી દારૂ મામલે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરના દક્ષિણ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી પાડવા મામલે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શહેરના દક્ષિણ વિસ્તારમાં એક ઓફિસની અંદર ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂની પાર્ટી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.
ગોવિંદાના ગીત પર ઠુંમકા લગાવતા જોવા મળ્યા લોકો
ઓફિસની અંદર થઈ રહેલી ઇંગ્લિશ દારૂની પાર્ટીમાં 14થી 16 જેટલા વ્યક્તિઓ હાજર હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વીડીયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે પ્લાસ્ટિકના ગ્લાસમાં ઇંગ્લિશ દારૂ ભરી લોકો નાચી રહ્યા છે. 1997માં હીરો નંબર વન કરીને ફિલ્મ આવી હતી, જેમાં મુખ્ય રોલમાં અભિનેતા ગોવિંદા જોવા મળ્યા હતા. તે ફિલ્મમાં 'યુપીવાલા ઠુંમકા લગાઉ કે હીરો જેસે નાચ કે દેખાઉં' નામનું એક ગીત પણ હતું. આ જ ગીતના શબ્દો પર લોકો ઇંગ્લિશ દારૂ સાથે નાચતા નજરે પડ્યા હતા.
વાયરલ વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંજ સુધીમાં વાયરલ વીડિયો મામલે પોલીસ કેટલાક આરોપીઓને ઝડપી પાડશે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. વાયરલ થયેલો વીડિયો બુધવાર, 27મી જુલાઈનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જે લોકો વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમાંથી મોટાભાગના લોકો ફાઇનાન્સના ધંધા સાથે જોડાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ અગાઉ કેટલાક લોકો પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વાયરલ થયેલા વીડિયો મામલે અનેક સવાલો પોલીસ સમક્ષ પણ ઉઠી રહ્યા છે. એક બાજુ રાજકોટ શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં ગેર કાયદેસર દારૂ ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં લોકો ઓફિસમાં પાર્ટી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સમયે સવાલ એ થાય છે કે રાજકોટ શહેરમાં કોની મિલીભગતથી દારૂનો ધંધો થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા કેટલાક શખ્શો પોલીસ સાથે સારો ઘરબો ધરાવતા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. વાયરલ વીડિયો મામલે પોલીસ દ્વારા વીડિયોમાં દેખાઈ રહેલા તમામ શખ્સોની ઝડપી પાડીને નિર્ધારિત સમયમાં જ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે કે કેમ તે જોવું પણ મહત્ત્વનું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર