છેલ્લા કેટલાય સમયથી કાયમી કુલપતિ વગર ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કુલપતિ મળી ગયા છે. RSSના ચુસ્ત સ્વયંસેવક અને વિરમગામની કોલેજના પ્રિન્સીપાલ નીતિન માધવજી પેથાણીને રાજ્ય સરકારે નિમણૂક કરી છે.
નીતિન પેથાણીનો જન્મ 01-06-1967 જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ખાતે થયો છે. નીતિન પેથાણીએ તેની શિક્ષણયાત્રા પ્રાથમિક શિક્ષણ સાંતલપુર પ્રાથમિક શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાપુર (સોરઠ)ની જવાહર વિનય મંદિરમાં મેળવ્યુ હતું. જ્યારે સ્નાતક કક્ષાનો અભ્યાસ જૂનાગઢની બહાઉદિન વિનિયન કોલેજમાં કર્યો હતો. તથા અનુસ્તાનક કક્ષાનો અભ્યાસ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં કર્યો હતો. આ સિવાય તેઓએ પીએચડીની પદવી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી મેળવી હતી.
નીતિનભાઈ પેથાણીએ 25-11-1991થી 10-11-1992માં મનોવિજ્ઞાન વિષયના ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે આર. કે. પરીખ આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ પેટલાદ તેમજ પાટણની કોટવાલા આટ્ર્સ કોલેજ પાટણમાં દોઢ વર્ષ ફરજ બજાવી હતી. ત્યારબાદ વિરમગામની દેસાઈ સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે હાલ ફરજ બજાવે છે. નીતિનભાઈ પેથાણીએ કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠા સમી કાર્યવાહી ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે કામગીરી બજાવી હતી.
આ સિવાય 2012થી 2015 દરમિયાન નીતિન પેથાણી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. ત્યારે વર્ષોથી વિવાદોને કારણે ચર્ચામાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સૂકાન સંભાળ્યા બાદ નીતિન પેથાણી શું બદલાવ લાવશે તે આવનારો સમય જ કહશે.