ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ રાજકોટ પશ્ચિમની બેઠક ઉપર પાટીદારને ટિકિટ ન આપે. કારણ કે પાટીદાર સમાજના મતો અહીં 65,000 થી 70,000 સુધી છે. પરંતુ વાણીયા બ્રાહ્મણ લોહાણા સોની સહિતના સુવર્ણ જ્ઞાતિના મતદાતાઓ સંયુક્ત રીતે જોવા જઈએ તો પાટીદાર કરતાં વધુ છે.
વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ને આડે હવે બસ ગણતરીના જ મહિનાઓ બાકી બચ્યા છે. ત્યારે પાટીદાર સમાજ (Patidar Samaj) હવે ટિકિટની માગણીને લઈ મેદાને આવ્યો છે. સૌરાષ્ટ્ર (Saurashtra)ની સૌથી મોટી કડવા પાટીદાર સમાજ (Patidar Samaj)ની ધાર્મિક સંસ્થાના વડા જયરામ પટેલ (Jairam Patel)નું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં સીદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા 2017 ની ચૂંટણીમાં પાટીદાર સમાજ દ્વારા 50 બેઠકની માંગણી ભારતીય જનતા પાર્ટી પાસે કરવામાં આવી હતી. જે માગણી અંતર્ગત 50 ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા 2017 ની ચૂંટણીમાં આપવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ શાસક પક્ષ પાસે ટિકિટની માગણી કરવામાં આવશે.
અત્યાર સુધીમાં વિધાનસભા ક્ષેત્ર 69 માં ટિકિટ માગવામાં નહોતી આવતી ત્યારે હવે સંભવિત છે કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ બેઠક પરથી રીપીટ કરવામાં નથી આવી રહ્યા. ત્યારે પાટીદાર સમાજ આ બેઠક ઉપર પોતાના વ્યક્તિને ટિકિટ મળે તે બાબતની માંગણી કરશે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના વડા જયરામ પટેલે વિધાનસભા ક્ષેત્ર 69 માટે પાટીદાર સમાજના વ્યક્તિને ટિકિટ મળે તે પ્રકારની માગણી કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે. ત્યારે આ નિવેદન સામે આવતા રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. જયરામ પટેલના નિવેદનથી ચોક્કસ વિજય રૂપાણી અને તેના ગ્રુપને ઝટકો લાગ્યો છે. પરંતુ સાથોસાથ જયરામ પટેલ નું નિવેદન સામે આવતા રાજકોટ શહેરમાં પ્રથમ વખત લેઉવા પટેલ સમાજની સામે પ્રથમ વખત શહેરમાં વિધાનસભા સીટ ઉપર કડવા પાટીદાર સમાજે પોતાનો હક હિસ્સો માગશે તેવું પ્રથમ વખત બનશે. કારણ કે રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠક પૈકી હાલ ચાર સીટ ઉપર પાટીદાર ધારાસભ્યનું વર્ચસ્વ છે.
જે પૈકી રાજકોટ પૂર્વ રાજકોટ દક્ષિણ જેતપુર તેમજ ધોરાજીમાં હાલ પાટીદાર ધારાસભ્યો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જ્યારે કે જસદણ વિછીયામાં કોળી સમાજના નેતા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ગોંડલમાં ક્ષત્રિય સમાજ જ્યારે કે રાજકોટ ગ્રામ્યની અનામત બેઠક પર એસીસ એસટી સમાજના નેતા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમજ રાજકોટ પશ્ચિમની સીટ ઉપર જૈન સમુદાયના નેતા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આમ રાજકોટ શહેર અને જિલ્લાની 50 ટકા બેઠક પર પાટીદાર ધારાસભ્યો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાનું માનવું છે કે, સીદસર ઉમિયાધામના વડા જયરામ પટેલે માત્ર એક મમરો મૂક્યો છે.
ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ રાજકોટ પશ્ચિમની બેઠક ઉપર પાટીદારને ટિકિટ ન આપે. કારણ કે પાટીદાર સમાજના મતો અહીં 65,000 થી 70,000 સુધી છે. પરંતુ વાણીયા બ્રાહ્મણ લોહાણા સોની સહિતના સુવર્ણ જ્ઞાતિના મતદાતાઓ સંયુક્ત રીતે જોવા જઈએ તો પાટીદાર કરતાં વધુ છે. તેમજ જ્યારે રાજકોટ શહેરની ચાર વિધાનસભા બેઠક પૈકી બે વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પાટીદારોને ઉતારતી હોય ત્યારે ત્રીજી બેઠક પણ પાટીદારોને ન ફાળવે. કારણ કે ત્રીજી બેઠક પણ જો પાટીદારોને ફાળવવામાં આવે તો સવર્ણોની સાથે ઓબીસી સમાજ પણ ભાજપથી નારાજ થાય તેવી શક્યતા પૂરેપૂરી જોવાઈ રહી છે. કારણ કે દર વખતે વિધાનસભા 68 તેમજ વિધાનસભા 70 માં ઓબીસી સમાજના નેતાઓ ટિકિટની માંગણી કરે છે. તેમજ 1975 થી લઇ અત્યાર સુધી આ બેઠક ઉપર વાણીયા, બ્રાહ્મણ, સોની, લોહાણા તેમજ કારડીયા રાજપુત સમાજમાંથી આવતા વજુભાઈ વાળા સાત વખત ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે. તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંથી જ ચૂંટણી લડ્યા હતા.