Mustufa Lakdawala,Rajkot : મોરબીમાં ગઈકાલે દિવાળીની રજાનો છેલ્લો દિવસ 134 લોકોની જિંદગીનો છેલ્લો દિવસ બન્યો હતો. આ ગોઝારો દિવસ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. કારણ કે મોરબીનો ઝૂલતો પુલ કાલે સાંજ તૂટતા અનેક પરિવાર મચ્છુ નદીમાં હોમાય ગયા છે. ત્યારે રાજકોટનો એક મુસ્લિમ પરિવાર પણ મોરબી ફરવા ગયો હતો. જેમાં હવે પરિવારમાં એક યુવક અને તેની એક પુત્રી જ બચ્યા છે. પુલની દુર્ઘટનામાં યુવકની પત્ની, તેની પુત્રી અને પુત્ર ડૂબી જતા મોતને ભેટ્યા છે. ત્યારે યુવકે રોષ વ્યક્તિ કરી જણાવ્યું હતું કે, જવાબદાર સામે સરકાર પગલા લે એવી મારી માગ છે.
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વહેલી સવાર સુધીમાં આશરે 134ના મોત થયાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પછી આશરે 180થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. આ મોટી દુર્ઘટનામાં રાજકોટના રામનાથપરામાં રહેતા મુસ્લિમ પરિવારનો પણ માળો વીંખાયો છે. મોરબીમાં સગાઈ પ્રસંગમાં ગયા બાદ ઝૂલતો પુલ જોવા ગયેલા માતા રોશનબેન પઠાણ, તેની પુત્રી મહિયા પઠાણ, પુત્ર દાનિશનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
ઇલ્યાસભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હું મારી પત્ની રોશન, 6 વર્ષની પુત્રી માહિયા અને 3 વર્ષનો પુત્ર દાનિશ સાથે મોરબી ધંધા માટે ગયો હતો. સંબંધીને ઘરે સગાઈ હોવાથી મારી પત્ની, પુત્ર અને પુત્રી ત્યાં ગયા હતા. બાદમાં સગાઈનું કામ પતી જતા ત્રણેય ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. પુલ તૂટતા ત્રણેયનું મોત થયું છે. મારું એટલું જ કહેવાનું છે કે, પુલ પર એટલા બધા માણસોને જવા જ કેમ દીધા? આટલા બધા માણસોને ટિકિટ દેવાની શું કામ જરૂર હતી, ખબર છે કે, નવું કામ છે તો થોડા થોડા માણસોને ટિકિટ આપી પ્રવેશવા દેવાય. સરકાર જવાબદાર સામે પગલા લે એવી મારી માગ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Morbi bridge collapse, Muslim Family, રાજકોટ