રાજકોટઃ શહેર ભાજપના યુવા આગેવાન અને જામનગરના પ્રભારી અમિત બોરીચાને ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ થાય તે પહેલાં જ પોલીસે મિત ઉર્ફે ભાજી રમેશભાઈ ખગ્રામની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પાંચ જુદા જુદા ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપીને બે વખત પાસામાં પણ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં કેટલાક ગુનાઓ આજ દિવસ સુધી વણઉકેલાયેલા જોવા મળે છે. તો બીજી તરફ, કેટલાક વગદાર લોકો જ્યારે કોઈ ગુનાહિત કૃત્યનો ભોગ બને છે. ત્યારે પોલીસ સુપરમેનની જેમ કામગીરી કરી તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડે છે. ત્યારે આ સૂત્રને સાર્થક કરતી ઘટના સામે આવી છે. રાજકોટમાં તાજેતરમાં જ ભાજપના યુવા અગ્રણી તેમજ જામનગરના પ્રભારી અમિત બોરીચાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચને જાણ થતા જ ભાજી રમેશભાઈ ખગ્રામની અટકાયત કરી હતી. ત્યારે બાદ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
રાજકોટ શહેર ભાજપ આગેવાન તેમજ જામનગરના પ્રભારી અમિત કિહોરે જણાવ્યું હતું કે, ‘30 ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે હું મારા ઘર પાસે ચોકમાં બેઠો હતો. ત્યારે અમારા લતામાં ઉઠક બેઠક ધરાવતો મિતુ ઉર્ફે ભાજી એકટીવા લઈ ત્યાંથી પસાર થયો. તેમજ મોટે મોટે ગાળો બોલતો હતો. રોડ ઉપર માર્કેટ ભરાયેલી હોવાથી ત્યારે લોકોને રોકી આવતા જતા વાહનોમાં લાકડીના ઘા મારતો હતો. થોડીવારમાં તે મારા ઘર પાસે આવી ગાળો બોલી દુકાનો બંધ કરાવવા લાગ્યો હતો. જેથી મેં તેને સમજાવવાનો પ્રયત્ન કરતા તે તેમજ તેની સાથે રહેલો એક અજાણ્યો વ્યક્તિ મને ગાળો દેવા માંડ્યા હતા. તેમજ મારી સાથે ઝપાઝપી પણ કરવા લાગ્યા હતા. મિત ઉર્ફે ભાજી દ્વારા પોતાની પાસે રહેલી છરી હતી તે વીંઝવા લાગ્યો હતો. બાદમાં મિત ઉર્ફે ભાજીએ પોતાના મોબાઈલ ફોન પરથી મને ધમકી આપી કહ્યું હતું કે, ‘હું તારા ઘર ઉપર રાતે આવીશ અને તને મારીશ. તું ઘરે સૂતો નહીં તેમ કહી મને ધમકી આપી હતી.’ ત્યારે સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં 1લી જાન્યુઆરીના રોજ કલમ 323, 504, 506, 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
વણઉકેલાયેલા ગુનાનું લિસ્ટ પણ પોલીસે જોવું રહ્યું
વર્ષ 2022માં રાજકોટમાં લોકોએ અઢી કરોડ ગુમાવ્યા છે. તેમજ 24 ચોરી તેમજ 7 ઠગાઈનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને નિષ્ફળતા મળી છે. ત્યારે ગત નવેમ્બર મહિનામાં ઘટેલી હત્યાની કોશિશ તેમજ લૂંટના બનાવમાં આજ દિવસ સુધી પોલીસને સફળતા હાથ નથી લાગી. શહેરના નિર્મલા રોડ ઉપર પારસ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિની પુત્રવધૂ સાથે બનેલા બનાવમાં એકપણ આરોપી હજુ સુધી ઝડપાયો નથી. તો ચાર વર્ષ પૂર્વે આજે નદીના પટમાંથી ધડ વિનાનું માથું મળી આવ્યું હતું. જે કેસ આજે પણ અનડિટેક્ટ કેસની યાદીમાં સામેલ છે.
ડિસેમ્બર મહિનામાં રાજકોટ શહેરના એસીપી ક્રાઇમ ભરત બસીયાના સગા સાથે ચીલ ઝડપનો બનાવ બન્યો હતો. જે ચીલ ઝડપના બનાવમાં ગુનો દાખલ થાય તે પૂર્વે છે આરોપીને પોલીસે શોધીને ઝડપી પાડ્યો હતો. આરોપી મળી ગયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની તેની ધરપકડ કરવામાં આવી હતી.