રાજકોટઃ ધુળેટીની રાતે એટલે કે આઠમી માર્ચે અમદાવાદના ધોલેરા તાલુકાના બાવળીયાળી ધામમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સંત શ્રી ઈસુ બાપુની 19મી પુણ્યતિથિ નિમિત્તે બાવળીયાળી ધામે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં અનેક કલાકોરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ત્યારે સંતવાણીમાં તાજેતરમાં રાજકોટની મધ્યસ્થ જેલમાં 72 દિવસ વિતાવનાર દેવાયત ખવડ પણ કાર્યક્રમ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત તેઓએ ભરવાડ સમાજ અને માલધારી સમાજમાં કયા પ્રકારનું યોગદાન આપ્યું છે તેમની વાત કરી હતી. ભરવાડ સમાજને માલધારી સમાજના વીર રસની વાતો પણ કરી હતી. ત્યારે માયા આતા આહીરે દેવાયત ખવડને કહ્યું હતું કે, ‘72 દિવની દાઝ કાઢી હો મારા બાપ તેં! પણ દેવાયતભાઈ 72 શબ્દ આવ્યો ને હિન્દીમાં કહેવાય ‘બહત્તર’ કહેવાય છે. એટલે બહેતર થઈને બહાર આવ્યો છે મારા વ્હાલા અને મારો ઠાકર કાયમ હેમખેમ રાખીએ એવી પ્રાર્થના કરીએ...’
ત્યારે હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જેલમાંથી બહાર આવનારા દેવાયત ખવડે પ્રથમ લોકડાયરો કવિરાજ જીગ્નેશ બારોટ સાથે ભાવનગરના કોલંબા ધામે કર્યો હતો. જેમાં તેવર બતાવતા તેણે કહ્યુ હતુ કે, ‘પહેલાં પણ કહેતો હતો અને હજુ પણ કહું છું ઝૂકેગા નહિં સાલા.’ તો સાથે જ કહ્યુ હતુ કે, ‘વાયડાઈ ક્યારેય જીતી નથી વર્તન જ હંમેશા જીતે છે.’ ઉલ્લેખનીય છે કે, મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવાના કેસમાં 72 દિવસ સુધી દેવાયત ખવડને જેલમાં રહેવું પડ્યું હતું.
ભાવનગરમાં જેલમાંથી છોડ્યા બાદ પહેલો ડાયરો કર્યો
તાજેતરમાં ભાવનગરના પાલીતાણામાં આવેલા કોલંબા ધામે જેલમાંથી છૂટ્યા બાદ દેવાયત ખવડનો પ્રથમ લોકડાયરો યોજાયો હતો. તેની શરૂઆતમાં જ દેવાયત ખવડના પહેલાની માફક જેવા જ રાણો રાણાની રીતે હોય તે પ્રકારના તેવર જોવા મળ્યા હતા. છ તારીખે સોનલધામ મઢડામાં યોજાયેલા ડાયરામાં પણ દેવાયત ખવડના એ જ પ્રકારના તેવર જોવા મળ્યા છે.
કેટલાકને ખબર નથી હોતી કે અંત હી પ્રારંભ હૈઃ દેવાયત ખવડ
સોનલધામ મઢડામાં યોજાયેલા ડાયરામાં દેવાયત ખવડે સ્ટેજ પરથી નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ‘જે દિવસે હું અંદર હતો ત્યારે કેટલાક લોકો તો મારું નામ લેતા પણ શરમાતા હતા. પરંતુ મારા ભાઈબંધ જેવા ભાઈ જીગ્નેશ કવિરાજે મને જીવતો રાખ્યો હતો. કેટલાક લોકો તો એવું વિચારતા હતા કે, હવે આ બોર્ડ શોર્ટ થઈ ગયું છે પણ કેટલાકને ખબર નથી હોતી કે અંત હી પ્રારંભ હૈ.’
‘વાયડાઈ ક્યારેય પણ જીતી શકતી નથી’
સતત પોતાના બીજા ડાયરામાં દેવાયત ખવડે જણાવ્યુ હતુ કે, ‘વાયડાઈ ક્યારેય પણ જીતી શકતી નથી.’ આ સાથે જ જેલ સમયની એક વાત કરતા જણાવ્યુ હતુ કે, ‘સોનબાઈ માની બીજ આવી ત્યારે હું જેલમાં હતો. તે સમય મને ખૂબ ચિંતા થતી હતી કે મારી માની બીજ આવી રહી છે અને હું ત્યાં પહોંચી નહીં શકું. જેના કારણે મેં જેલમાં શક્તિદાન ગઢવી નામના કોન્સ્ટેબલ પાસે સોનબાઈ માનો ફોટો મંગાવ્યો હતો. જેલમાં માનો ફોટો રાખી મેં બે હાથ જોડી શીશ ઝૂકાવ્યું હતું. તો સાથે જ હાથ જોડી માના ચરણોમાં ગીત પણ બનાવી રજૂ કર્યું હતું.’