અંકિત પોપટ, રાજકોટ: હાલમાં રાજ્યનાં અનેક જિલ્લાઓમાં પાણીની ભારે હાલાકી છે જેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ચરમસીમા પર છે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન આજીડેમ ખાલી થતો હોવાનાં સમાચારની વચ્ચે હવે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. આજી ડેમમાં ત્રણ દિવસ ચાલે તેટલું પાણી ઠાલવવામાં આવ્યું છે. હાલમાં 17mcft પાણી ઠાલવવામાં આવ્યું છે.
નર્મદા નીર આજી ડેમમાં પહોંચતા આજીડેમની સપાટીમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ડેમમાં 100mcft પાણી હતું. જે બાદ 400mcft પાણી આજી ડેમમાં નર્મદાનું ઠાલવવામાં આવ્યું છે. આ સાથે જ આજીડેમની સપાટી
કૂલ 500mcft પહોંચી ગઇ છે. અને આ પાણી આખા રાજકોટને ત્રણ દિવસ સુધી પુરુ પડે તેટલું છે.
2022 સુધીમાં કચ્છને પાણી સમસ્યાથી મુક્ત કરીશુ: રૂપાણી છેલ્લા દોઢ દાયકાની સરખામણીમાં ગત વર્ષે સૌથી ઓછો વરસાદ મેળવનારા મરુભૂમિ કચ્છના લખપત અને અબડાસા તાલુકાના નારાયણ સરોવર અને કોટેશ્વરની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાત મુલાકાત લીધી હતી અને અછતની સ્થિતિનું આકલન કર્યું હતું. તેમણે સ્થાનિક પ્રજાજનોએ આશ્વાસિત કર્યા હતા કે પશુ સુદ્ધાને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડે. આટલો ઓછો વરસાદ હોવા છતાં નખત્રાણા પ્રાંતના આ બન્ને તાલુકાના માત્ર સાત ગામોને જ ટેન્કર વડે પાણી આપવામાં આવી રહ્યું છે.
રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓછા વરસાદ થતાની સાથે જ વહેલાસર એટલે કે સપ્ટેમ્બર માસમાં જ ૯૬ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ ૧૫ જૂનથી બેસી જતું હોય છે. પણ, પાણી અંગેનું આયોજન ૩૧ જુલાઇ સુધીનું છે. એટલે, પીવાના પાણી બાબતે કોઇએ પણ લગીરેય ચિંતા કરવાની જરૂર નથી.
ટેન્કર દ્વારા જ્યા પાણી આપવામાં આવે છે, ત્યાં પશુઓ માટે ૨૦ લીટર પાણી વધુ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી અંગે કોઇ સમસ્યા હોય તો તેનો ત્વરિત ઉકેલ લાવવાની સરકારની નેમ છે અને પાણીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. કચ્છને ૨૦૨૨ સુધી પાણીની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્ત કરી દેવાની અમારો સંકલ્પ છે.
અબડાસા અને લખપત તાલુકાની અછતની સ્થિતિનું આકલન કરવા વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
પાણી પુરવઠા બોર્ડની ૬૩ યોજના હેઠળ ૧૪૩ગામોની ૨૧૫૪૮૯ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ માટે ૧૨૦૮ કિમિ લાઇન બિછાવવામાં આવી છે. પાણી માટે ૫૨ સ્થાનિક સ્ત્રોત, કાચા કૂવા ૨, ચાલુ કરવામાં આવેલા કાચા કૂવા ૫ અને કચેરી હસ્તકના ૭ ટેન્કર મારફત પાણી વિતરણ કરરવામાં આવે છે. પાણીના સ્ત્રોતની વિગતો જોઇએ તો સ્થાનિક સ્ત્રોતથી ૬ એમએલડી, નર્મદાનું ૧૭.૫ એમએલડી, વ્યક્તિગત યોજનાનું ૯ એમએલડી મળી કુલ ૩૨.૫ એમએલડી પાણી આપવામાં આવે છે.