Home /News /rajkot /રાજકોટ: મહેફીલ કાંડમાં વીડિયોમાં દેખાતા વ્યક્તિના નામ આવ્યા સામે, તમામે દારૂ પાર્ટી કરી હતી કે કોલ્ડ્રિંક્સ પાર્ટી?

રાજકોટ: મહેફીલ કાંડમાં વીડિયોમાં દેખાતા વ્યક્તિના નામ આવ્યા સામે, તમામે દારૂ પાર્ટી કરી હતી કે કોલ્ડ્રિંક્સ પાર્ટી?

રાજકોટમાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ

Rajkot Liquor party: મામલાની ગંભીરતા જાણનારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઝડપાયેલા તમામ અટકાયતીઓને સીપી કચેરીએ બોલાવી તેમની પૂછપરછ પણ કરી હતી. તો સાથે જ કાયદાનો ભાન પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

રાજકોટ: રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક શખ્સો પ્લાસ્ટિકના ગ્લાસમાં પીળા કલરનું પ્રવાહી લઇ નાચી રહ્યા હોવાનું તેમજ તેનું પાન કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. જે પ્રમાણે વીડિયો વાયરલ થયો છે તેમ જ તેમાં જે પ્રકારના દ્રશ્યો કેદ થયા છે તેના પરથી પ્રથમ દૃષ્ટિએ જ સમજુ લોકો સમજી જાય કે પીળા કલરનું પ્રવાહી કઈ હોઈ શકે. જે પ્રમાણે વીડિયોમાં જોવા મળતા લોકો હીરો નંબર વન ફિલ્મના ગીત "યુપીવાલા ઠુમકા લગાઉ કે હીરો જેસે નાચ કે દિખાઉ" પર નાચી રહ્યા હતા તેના પરથી પણ સ્પષ્ટ લાગી રહ્યું છે કે તમામ વ્યક્તિઓએ દારૂનું સેવન કર્યું છે.

સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થતાં સૌપ્રથમ માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. એક તબક્કે વીડિયો માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં વીડિયો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી એક બાદ એક એમ કરી છ જેટલા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હોવાનું ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મામલાની ગંભીરતા જાણનારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઝડપાયેલા તમામ અટકાયતીઓને સીપી કચેરીએ બોલાવી તેમની પૂછપરછ પણ કરી હતી. તો સાથે જ કાયદાનો ભાન પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે પકડેલા લોકો


પોલીસે જે છ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમાં પૃથ્વીરાજ રામકુભાઈ માજરીયા, રાજુભાઈ ઘોઘાભાઈ મકવાણા, હસમુખભાઈ બચુભાઈ ડાંગર, જગદીશભાઈ લક્ષ્મણભાઈ સિદ્ધપુરા, ભરતભાઈ રામભાઈ ડાંગર તેમજ મયુરભાઈ ઘનશ્યામભાઈ ચાવડા નામના શખ્સો સામેલ છે. જ્યારે કે વીડિયોમાં દેખાઈ રહેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ હોવાનો પોલીસ જણાવી રહી છે.

વીડિયોમાં હરભમભાઈ લોખિલ, જેન્તીભાઈ લોખીલ, પંકજ વિભાભાઈ ડાંગર, પોલીસમાં ફરજ બજાવનારા વીરાભાઇ કચરાભાઈ ચાવડા સહિતના શખ્સો દેખાઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ મહેશ વાળાએ જણાવ્યું હતું કે, ગુરૂવારના રોજ બી ડિવિઝન પોલીસ દ્વારા પાર્ટીના સ્થળે રેડ કરવામાં આવી હતી. પરંતુ રેડ દરમિયાન ઘટના સ્થળ પરથી કોઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી આવી જેના કારણે હજુ સુધી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. વીડિયોમાં જે શખ્સો દેખાય છે તે પૈકી જેટલા લોકો ઝડપાયા નથી તે તમામના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે.


પ્રોહીબિશનના ગુનામાં મેડિકલ ચેકઅપનું મહત્ત્વ


કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે કે કેમ તેના માટે પોલીસ જે તે વ્યક્તિનું મેડિકલ ચેકઅપ કરાવતી હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ દારૂનું સેવન કર્યું છે ત્યારબાદ તેની પાસેથી કોઈપણ જાતની દારૂની બોટલ કે દારૂનો જથ્થો નથી મળી આવતો તો પોલીસ તે વ્યક્તિનું મેડિકલ ચેકઅપ કરાવે છે. દારૂનું સેવન કર્યાને સાત આઠ કલાકમાં જો વ્યક્તિનું મેડિકલ ચેક અપ કરાવવામાં આવે તો સહેલાઈથી તેના શરીરમાં રહેલ આલ્કોહોલનું પ્રમાણ જાણી શકાય છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ મેડિકલ ચેકઅપની અંદર પણ જોઈએ તેટલી મદદ સહાયોગિક પુરાવા તરીકે નથી મળતી હોતી. 24 કલાક બાદ સામાન્ય રીતે વ્યક્તિએ અન્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરી લીધું હોવાથી તેમજ મેડિકલ ચેકઅપમાં આલ્કોહોલનું પ્રમાણ વધેલું જોવા મળતું નથી હોતું.

આ પણ વાંચો: પોલીસે રેડ પાડી અને બુટલેગરને આવ્યો હાર્ટ અટેક

કઈ રીતે પોલીસ દાખલ કરી શકે પ્રોહિબિશનનો ગુનો?


પોલીસને જ્યારે ઘટના સ્થળ પરથી કોઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. જે છ શખ્સો ઝડપાયા છે તેમના મેડિકલ કરાવવામાં આવ્યા છે કે કેમ તે બાબતે હજુ પોલીસને સત્તાવાર માહિતી નથી આપી. તેમજ બાકીના જે શખ્સો છે તેમને પાર્ટી કર્યાને 36 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે ત્યારે તેમના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ મેડિકલ ચેકઅપ દરમિયાન ફલિત થશે કે કેમ તે અંગે પણ સવાલ છે. આવા સંજોગોમાં વીડિયોમાં જેટલા વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે તે પૈકી પોલીસ પાસે કોઈ વ્યક્તિ કબૂલ કરે કે તેઓએ દારૂની પાર્ટી કરી હતી. દારૂની પાર્ટી કર્યા બાદ બોટલોનો કઈ જગ્યાએ નાશ કર્યો હતો? કઈ જગ્યાએ તેને ફેંકી હતી? દારૂનો જથ્થો કોની પાસેથી કઈ જગ્યાએ મેળવ્યો હતો? તેવા સંજોગોમાં પોલીસ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી શકે છે.

આ પણ વાંચો: રાજકોટ: જાહેરમાં દારૂ પાર્ટી કરનાર ચાર પૈકી એક યુવક ઝડપાયો,
દારૂની પાર્ટી નથી કરી તો પોલીસકર્મી સહિત આઠ વ્યક્તિઓના ફોન બંધ કેમ?

વાયરલ થયેલા વીડિયો મામલે એક વર્ગનો તર્ક એવો પણ છે વીડિયોમાં કોઈપણ જગ્યાએ દારૂની બોટલ નથી દેખાઈ રહી. તેમજ પ્લાસ્ટિકના ગ્લાસમાં જે પીળું પ્રવાહી છે તે દારૂ છે, તેવી માત્ર ધારણા કરી શકાય પરંતુ સાબિત કરવું મુશ્કેલ છે. આ તર્કની વચ્ચે વાયરલ થયેલા વીડિયો બાદ શા માટે પોલીસકર્મી સહિત આઠ વ્યક્તિઓના ફોન બંધ આવી રહ્યા છે તે મોટો સવાલ છે. જો તેમણે કોઈ પણ જાતની દારૂની પાર્ટી ન કરી હોય તો શા માટે તેઓ પોલીસથી બચવા પોતાના ફોન સ્વીચ ઓફ કરી ક્યાંક નાસી ગયા છે?
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Party, દારૂ, પોલીસ, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन