ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. આજે રાજકોટમાં ખોડલધામનાં પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ રાજકારણમાં ટિકિટની ઓફર થશે તો સામજ સાથે વિચારણા કરીને તેઓ ઇચ્છશે તો રાજનીતિમાં જોડાઇશ તેવું નિવેદન આપ્યું છે. ત્યારે બીજી બાજુ ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલે પણ એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'આપણામાંથી રાજકારણમાં કોઇ આવે તો જ આપણા સમાજનો કોઇ ભાવ પૂછ્શે.' મહત્વનું છે કે નરેશ પટેલે ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યું હતું કે, 'રાજકારણ વગર સમાજની પ્રગતિ શકય નથી. રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી. કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય એ રાજકારણમાં આગળ વધે. જો સમાજ રાજકીય રીતે સંગઠિત થશે તો જ આપને કોઈ પૂછવા આવશે.'
બે વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદારોની સામાજિક એકતાના પ્રતીકને રાજકારણથી દૂર રાખવાનું બ્યૂગલ ફૂંક્યું હતું. હવે તેમણે યુ-ટર્ન લઈને ખોડલધામ યુવા સમિતિના આગેવાનોને સક્રિયપણે રાજકારણમાં આગળ વધવા હાકલ કરી નવું ગણિત આપ્યું છે ત્યારે લોકોમાં અનેક મતમતાંતરો જોવા મળ્યાં છે. આ કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે થોડા સમયથી ખોડલધામ સમિતિમાં પણ વિચારધારામાં બે જૂથો સર્જાયા છે. અગાઉ પરેશ ગજેરાના રાજીનામા પછી આ પ્રતિષ્ઠિત સંગઠન વિવાદમાં આવ્યું હતું.