કરણ કુંભારવાડિયા વિરુદ્ધ પ્રોહીબિશન સહિતના 8 ગુના નોંધાઈ ચૂક્યા છે.
પોલીસે જે પ્રેસનોટ જાહેર કરી છે તેમાં આરોપી કરણભાઈ જીલુભાઇ કુંભારવાડીયા વિરુદ્ધ જુદા-જુદા આઠ જેટલા ગુનાઓ દાખલ થઈ ચૂક્યા હોવાનું જણાવ્યું છે. 8 પૈકી 6 ગુના માત્ર માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જ નોંધાયા હોવાનું જણાવ્યું છે.
રાજકોટ: બે દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં કરણ કુંભારવાડીયા નામના વ્યક્તિના કેટલાક વિવાદિત વીડિયો વાયરલ થયા હતા. વાયરલ થયેલા વિવાદિત વીડિયોમાં કરણ કુંભારવાડીયા નામનો શખ્સ બંદૂક, દારૂની મહેફીલ માણી રહ્યો હોય તેમજ પોલીસની કાર પાછળ પોતાની કાર દોડાવી રહ્યો હોય તેમ જ કારમાંથી ધોકા સાથે નીચે ઉતરી રહ્યો હોય તે પ્રકારના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિના વીડિયો વાયરલ થયા બાદ માત્ર 48 કલાકમાં માલવિયાનગર પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
જોકે માલવિયા નગરની પ્રેસનોટમાં કરણ કુંભારવાડિયાના વાયરલ થયેલા વીડિયો મામલે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પ્રેસનોટમાં લખવામાં આવ્યું છે કે, કરણ કુંભારવાડિયાને માલવિયા નગર પોલીસ સ્ટેશનની હદપારીની દરખાસ્તના આધારે પીસીબી શાખા રાજકોટ શહેર દ્વારા હદપારીનો હુકમ કરવામાં આવ્યો હતો. પીસીબી શાખા દ્વારા 20 ફેબ્રુઆરી 2023થી રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાની હદમાંથી કરણ કુંભારવાડિયા વિરુદ્ધ હદપારનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે હદપારનો હુકમ કરવામાં આવ્યા બાદ પણ કરણ કુંભારવાડીયા ડીલક્ષ પાનની દુકાન પાસેથી મળી આવતા તેના વિરુદ્ધ માલવિયા નગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કરણ કુંભારવાડિયા વિરુદ્ધ પ્રોહીબિશન સહિતના 8 ગુના નોંધાઈ ચૂક્યા છે
પોલીસે જે પ્રેસનોટ જાહેર કરી છે તેમાં આરોપી કરણભાઈ જીલુભાઇ કુંભારવાડીયા વિરુદ્ધ જુદા-જુદા આઠ જેટલા ગુનાઓ દાખલ થઈ ચૂક્યા હોવાનું જણાવ્યું છે. 8 પૈકી 6 ગુના માત્ર માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જ નોંધાયા હોવાનું જણાવ્યું છે. તેમજ 2 જેટલા ગુના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોવાનું જણાવ્યું છે. માલવયા નગર પોલીસ સ્ટેશનમાં 2 ગુના જુગાર ધારાના નોંધાયા છે. જ્યારે કે 4 જેટલા ગુના પ્રોહીબિશનના નોંધાયા હોવાનું જણાવ્યું છે. પ્રોહિબિશનના તમામ ગુના વર્ષ 2022માં જ રજીસ્ટર્ડ થયું હોવાનું પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે.
કરણ કુંભારવાડિયાના વિવાદિત વીડિયો વાયરલ થયા બાદ તેના એકાઉન્ટમાંથી ત્રણ જેટલા વિડિયો ડીલીટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કરણ કુંભારવાડિયા ના એકાઉન્ટમાંથી તે પોલીસની કારનો પીછો કરી રહ્યો હોય તે પ્રકારની રીલ બનાવી હતી તે વીડિયો ડીલીટ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેમજ કરણ કુંભારવાડીયા બંદૂક સાથે જોવા મળી રહ્યો હોય અને કારમાંથી ધોકા સાથે ઉતરી રહ્યો હોય તે વીડિયો ડીલીટ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે કરણ કુંભારવાડિયા ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દારૂની મહેફીલના વીડિયો હજુ પણ અપલોડ થયેલા જોવા મળી રહ્યા છે.
કરણ કુંભારવાડીયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે?
તાજેતરમાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગોંડલના કાકા ભત્રીજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાકાની પરવાનાવાળી બાર બોરની બંદૂક સાથે ભત્રીજાએ ફોટો પડાવી તેને ફેસબુક પર અપલોડ કર્યો હતો. જે ગુનાહિત કૃત્ય સબબ ગ્રામ્ય પોલીસ દ્વારા કાકા ભત્રીજા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે કરણ કુંભારવાડીયા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટથી એક વાત તો સ્પષ્ટ છે કે કરણ કુંભારવાડીયા વિરુદ્ધ ક્યારેય પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં નથી આવ્યો. જ્યારે કે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેનો બંદૂક સાથેનો વીડિયો તેને અપલોડ કર્યો હતો. જે સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી દૂર કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસે જાહેર કરેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે, પીસીબી શાખા દ્વારા જે હદબારીનો હુકમ કરવામાં આવ્યો તે 20 ફેબ્રુઆરી 2023 થી અમલી છે. ત્યારે પોલીસ દ્વારા તેને 24 ફેબ્રુઆરીના રોજ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આખરે સવાલ તો એ થાય છે કે, શું કોઈની મીઠી નજરના કારણે કરણ કુંભારવાડીયા રાજકોટ શહેરમાં હદપારીના હુકમ બાદ પણ વસવાટ કરી રહ્યો હતો? તેમજ અંદાજિત 20 કલાક પૂર્વેજ કરણ કુંભારવાડીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં દારૂ જેવો પ્રવાહિ પદાર્થ પી રહ્યો હોય તે પ્રકારનો વિડિયો પણ સ્ટોરી સ્વરૂપે અપલોડ કર્યો હતો. તેમજ તે જ્યારે તે પ્રવાહી પી રહ્યો હોય ત્યારે તે hyundai કંપનીની કાર પણ ચલાવી રહ્યો હોવાનું સ્ટોરીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.