રાજકોટ મહાનગરપાલિકાની એડવાન્સ ટેક્સ વળતર યોજના હેઠળ હાલ આપવામાં આવતો ૧૦ ટકા વળતર (મહિલાના નામે પ્રોપર્ટી હોય તો ૧૫ ટકા વળતર)નો લાભ મેળવવા આડે હવે ત્રણ દિવસ જ બાકી રહયા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ યોજનાનો વધુ ને વધુ કરદાતાઓ લાભ લ્યે તેવી અપીલ કરી છે.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરે ટેક્સ કલેક્શન અંગે માહિતી આપતા એમ કહ્યું હતું કે, રાજકોટના નાગરિકોએ એડવાન્સ ટેક્સ વળતર યોજનામાં ઉત્સાહભેર વેરો ચૂકવેલ છે અને જેના પરિણામે રાજકોટ મહાનગરપાલિકામાં તા.૧-મે,૨૦૧૯ થી તા.૨૯-૫-૨૦૧૯ સુધીમાં રૂ. ૮૫.૫૧ કરોડની ટેક્સ આવક નોંધાઈ છે.
ગયા વર્ષે આજના દિવસે આ આંકડો રૂ. ૫૪.૩૯ કરોડ હતો, મતલબ કે આ વર્ષે ગયા વર્ષની તુલનાએ રૂ. ૩૧.૨૫ કરોડની આવક વધુ થયેલી છે.
આ વર્ષે તા.૨૯-મે સુધીમાં ૧,૭૯,૫૬૩ કરદાતાઓએ વેરો ચૂકવ્યો છે અને ગત સાલ આજના દિવસે આ આંકડો ૧,૨૮,૦૦૦૫ હતો. આમ એડવાન્સ ટેક્સ વળતર મેળવનાર આસામીઓની સંખ્યામાં ગત સાલની તુલનાએ ૫૧,૦૦૦ જેવો વધારો નોંધાયો છે.
આ આસામીઓને કુલ રૂ.૭.૫ કરોડના વળતરનો લાભ પ્રાપ્ત થયેલો છે.
ઓનલાઈન ટેક્સ પેમેન્ટ કરનાર કરદાતાઓની સંખ્યા ૨૯.૪૬ કરોડ જેવી રહી છે.
દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧ જુન, ૨૦૧૯થી એડવાન્સ ટેક્સ વળતર યોજના હેઠળ કરદાતાઓને પાંચ (૫) ટકા અને મહિલાના નામે પ્રોપર્ટી હોય તો ૧૦ ટકા વળતર આપવામાં આવશે.
તા.૩૧મે સુધી સવારે ૧૦.૦૦ થી રાતના ૮.૦૦ વાગ્યા સુધી સિટી સિવિક સેન્ટરો અને વોર્ડ ઓફિસોમાં ટેક્સ સ્વીકારવામાં આવશે.