અંકિત પોપટ, રાજકોટ : જન્મદિવસ (Birthday) એટલે વ્યક્તિના જીવનમાં આવતો જન્મનો ઉત્સવ. આ વિશ્વમાં જન્મ લેતા દરેક મનુષ્યનો જન્મદિવસ આવે છે. લોકો રંગેચંગે પોતાના જન્મદિવસની ઉજવણી પણ કરતા હોય છે. જોકે, આ ઘટના વાંચીને તમને આઘાત લાગી શકે છે, કારણ કે રાજકોટ જિલ્લાના જેતપુર ગામમાં એક યુવકનો જન્મદિવસ જ બન્યો છે 'મૃત્યુદિવસ.' (Jetpur Youth died in an Accident on Birthday) રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જે બનાવમાં જન્મદિવસે નવા લીધેલા એકટીવા સાથે નીકળેલા યુવાનને (Jetpur Activa GSRTC Accident) એસટી બસ સાથે અકસ્માત નડતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર શહેર ના રબારીકા ચોકડી પાસે આવેલા બ્રિજમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોય છે. જેના કારણે વાહનચાલકોને રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવાની ફરજ પડતી હોય છે. ત્યારે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને આવી રહેલા યુવાનને એસ.ટી.બસે ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જેતપુર સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મૃતકના ભાઇ રાજેશભાઈ ઉર્ફે રાજુના જણાવ્યા પ્રમાણે અમારા પરિવારમાં બે ભાઈઓ તથા બે બહેનો છે. સૌથી નાનો ભાઈ જે મૃત્યુ પામ્યો તેનું નામ હરેશ છે. જે ફ્રુટ નો ધંધો કરતો હતો. રાત્રિના સમયે મારા મિત્ર મોહનભાઈ ઉર્ફે મુન્નાનો ફોન આવ્યો હતો. ફોનમાં મુન્નાભાઈ એ મને જણાવ્યું હતું કે હરેશભાઈ પોતાનું એકટીવા લઈને રબારીકા ચોકડીથી જેતપુર નવાગઢ રોડ તરફ પાણી ભરેલા હોવાથી રોંગ સાઈડમાં જતાં હતા.'
'આ સમયે નવાગઢ તરફથી રાજકોટ તરફ જતી એસટી બસ દ્વારા તેમને ટક્કર મારવામાં આવતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અમે તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા છીએ.બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી ખાનગી હોસ્પિટલ ખાતે જવા હું રવાના થયો હતો. પરંતુ ફરજ પર હાજર રહેલા ડોક્ટરે મારા ભાઈને તપાસી જોઈ તેને મૃત જાહેર કર્યો હતો.' એક્ટિવાની સફર બની અનંતની સફર
હરેશનો ગુરૂવારના રોજ જન્મદિવસ હોય જેથી તે બાઈક લઈને રાત્રીના હોટલમાં જમવા ગયો હતો. અંડરબ્રિજમાં પાણી ભરાયેલું હોવાથી તેને ફરજિયાત રોંગ સાઈડમાં વાહન હંકારવા ની ફરજ પડી હતી. ત્યારે ઊંઝા જુનાગઢ રૂટની એસટી બસ દ્વારા ટક્કર મારવામાં આવતા તેનું મૃત્યુ નીપજયું છે. આમ નવા એક્ટિવાની સફરે નીકળેલા યુવકની આ સફર અનંતની સફર બની ગઈ હતી. તંત્ર દ્વારા આવા ખાડાઓ રીપેર કરવામાં આવે અને વરસાદી પાણીના કારણે લોકોને રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ફરજ ન પડે તે જ હિતાવહ છે.