Home /News /rajkot /International Left Handers Day: વિશ્વમાં 10% લોકો ડાબોડી, જાણો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો આ સ્ટડી કેસ
International Left Handers Day: વિશ્વમાં 10% લોકો ડાબોડી, જાણો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો આ સ્ટડી કેસ
વિશ્વમાં 10% લોકો ડબોડી, જાણો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો આ સ્ટડી કેસ
13 ઓગસ્ટ, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે (International Left Handers Day 2022) તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એક લેફ હેન્ડર્સ તરીકે લેફ્ટ હેન્ડર લોકોની ખાસિયત અને અનુભવતી બાબતો વિશે જોઈએ
Mustufa Lakdawala, Rajkot: 13 ઓગસ્ટ, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે (International Left Handers Day 2022) તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એક લેફ હેન્ડર્સ તરીકે લેફ્ટ હેન્ડર લોકોની ખાસિયત અને અનુભવતી બાબતો વિશે જોઈએ. એક રિસર્ચ અનુસાર વિશ્વભરમાં લગભગ 10 ટકા લોકો ડાબોડી હોય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના (Saurashtra University, Rajkot) મનોવિજ્ઞાન ભવનના (Psychology Department) અધ્યાપક ડો. ધારા આર. દોશી (Professor Dr. Dhara R. Doshi)એ એક સ્ટડી કેસ તૈયાર કર્યો છે. તેમના મતે ડાબોડી હોવું એ અપરાધ કે અભિશાપ નથી એક અનન્ય અને અજોડ બાબત છે.
લેફ્ટ હેન્ડર ડે શા માટે ઉજવવામાં આવે છે?
આજથી ઘણા વર્ષો પહેલા, ડીન આર કેમ્પબેલ, જેઓ ડાબોડી હતા, તેમણે 13 ઓગસ્ટના રોજ પ્રથમ વખત વર્લ્ડ લેફ્ટ હેન્ડર્સ ડેની ઉજવણી કરી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ડાબોડી લોકોમાં તેની વિશેષતાઓ અને ફાયદાઓ કે ગેરફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.
ડબોડી લોકોને ઘણી મુસીબતોનો સમનો કરવો પડે છે
ડાબા હાથેથી કાર્ય કરતી વખતે લગભગ હજાર વખત એક સવાલનો સામનો કરવાનો થયો અને એ છે કે ડાબા હાથે કોઈ કામ થોડું કરાય? ઘણી વખત શુભ કાર્યમાં પણ રોકટોકનો ભોગ બનવું પડતું. ડાબા હાથે જમતી વખતે પણ ઘણી ટીકાઓ અને પ્રશ્નોનો સામનો કરવો પડતો કે ‘ઘરેથી માતા પિતાએ કઈ શીખવ્યું નહી હોય’, ‘કઈ કામના નથી’ વગેરે. પણ ડાબા હાથે કામ કરવું, લખવું, ભોજન કરવું એ અપરાધ નથી પણ એક અનન્ય અને અજોડ બાબત છે. જેમ જમણો હાથ શરીરનું અંગ છે તેમ ડાબો હાથ પણ શરીરનું અંગ છે. શા માટે તમે તમારા ડાબા હાથનો ઉપયોગ ખાવા પીવા માટે કરો છો? જે ખરાબ બાળકો છે તે જ ડાબા હાથનો ઉપયોગ કરે છે. બાળપણમાં પણ ઘણીવાર જોવા મળે છે માતા-પિતા ડાબા હાથે કામ કરવાની ના પાડી દે છે. તેઓ કહે છે કે ડાબા હાથે કામ કરવું શુભ નથી. ઘણી વખત, આ દબાણ હેઠળ, બાળકોને ડાબો હાથ વધુ સક્રિય હોવા છતાં પણ જમણા હાથથી કામ કરવાની ફરજ પડે છે.
ઘણીવાર જોયું હશે કે, જો કોઈ બાળક તેના માતા-પિતા કે વડીલોની સામે ડાબા હાથે જમતું હોય તો તેને ઠપકો મળે છે અને તે પછી તેને તેના જમણા હાથનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેને સમજાવવામાં આવે છે કે ડાબા હાથનો ઉપયોગ કરવો ખોટું છે. વિવિધ માન્યતાઓ પણ જમણા હાથને બદલે ડાબા હાથનો ઉપયોગ કરવાની મનાઈ કરે છે. ઘણા શાસ્ત્રોમાં હંમેશા જમણા હાથને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જમણા હાથને શુભ અને ડાબા હાથને અશુભ માનવામાં આવે છે.
વ્યક્તિનું ડાબોડી હોવાના શક્ય કારણો
જર્નલ બ્રેઈનમાં એક સંશોધન પણ કરવામાં આવ્યું હતું કે ડાબા હાથના અને જમણા હાથના લોકોમાં વારસાગત તફાવત પણ હોય છે. આ રિસર્ચ મુજબ ડાબા હાથે કામ કરનારા લોકો વધુ સ્માર્ટ હોય છે.
આનુવંશિકતાનો સિદ્ધાંત કામ કરે છે (જીનેટિક થીયરી)
અમુક મનોચિકિત્સકના અનુસાર, બાળક કયા હાથનો ઉપયોગ કરશે તે માતાના પેટમાં જ નક્કી થાય છે. ઘણા સંશોધનોમાં પણ આ સાબિત થયું છે. બાળકને તેના માતાપિતા પાસેથી ચોક્કસ પ્રકારનું જનીન વારસામાં મળે છે, જેના કારણે બાળક ડાબોડી અથવા ડાબો હાથ બને છે. વિજ્ઞાનીઓનું સંશોધન કહે છે કે આપણે કયા હાથથી લખીએ છીએ, તે સંપૂર્ણપણે આપણા જીન્સ પર નિર્ભર કરે છે. દરેક જનીનમાં મ્યુટેશન થાય છે અને જો વધુ મ્યુટેશન હાથની એક બાજુ હોય તો વ્યક્તિ તેની સાથે કામ કરવાનું અને લખવાનું શરૂ કરે છે. જે લોકો ડાબા હાથથી લખે છે તેમની જમણી બાજુએ વધુ જનીન પરિવર્તન થાય છે. કેટલાક અભ્યાસોમાં એ સાબિત થયું છે કે કોઈ વ્યક્તિ જમણો છે કે ડાબો હાથ છે તે માતાના ગર્ભમાં જ નક્કી થાય છે. તેને તેના માતા-પિતા પાસેથી ચોક્કસ પ્રકારનું જનીન વારસામાં મળ્યું હશે. તેને લેફ્ટ હેન્ડ જીન કહી શકાય. જો કે, આ જીન પાછળના કારણો શું છે, તેના પર હજુ સંશોધન ચાલી રહ્યું છે.
સામાજિક પરિસ્થિતિઓ અને શિક્ષણ પણ એક કારણ છે
ઘણી વખત બાળકની અમુક પરિસ્થિતિ એવી હોય છે જેમાં તે ડાબોડી બને છે. અધ્યયન અને સામાજિક વાતાવરણ બીજું મુખ્ય પરિબળ શિક્ષણ અને સામાજિક વાતાવરણ છે. આમાં કેટલાક બાળકો શીખવાની પ્રક્રિયામાં એકથી વધુ હાથનો ઉપયોગ કરે છે. ઘણા બાળકો જમણા હાથથી કામ કરવાનું શરૂ કરે છે. ધીમે ધીમે તેનો આ હાથ વધુ સક્રિય થતો જાય છે. એક બીજું ઉદાહરણ પણ છે જ્યાં બાળક જ્યારે તેને ગમતી વ્યક્તિને જુએ ત્યારે ડાબા હાથનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. ઉદાહરણ તરીકે, બ્રાયન લારા અથવા યુવરાજસિંહ ડાબા હાથના બેટ્સમેન છે. જો કોઈ બાળક તેને પસંદ કરે છે, તો તે તેની જેમ બેટિંગ કરવાનું પસંદ કરશે.
મગજ પણ એક કારણ છે
નિષ્ણાતોના મતે, મગજની રચના પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. વાસ્તવમાં મગજ બે ભાગમાં વહેંચાયેલું છે. ડાબો ભાગ શરીરની જમણી બાજુ અને જમણો ભાગ શરીરની ડાબી બાજુઓને નિયંત્રિત કરે છે. એટલે કે તમારા મગજનો કયો ભાગ વધુ સક્રિય છે તે રીતે શરીરનો સામેનો ભાગ પણ તેટલો જ સક્રિય રહેશે.
ડાબા હાથે કામ કરનાર વધુ ચોકસાઈ ધરાવતા હોય છે.
એક રીસર્ચ અનુસાર ડાબા હાથે કામ કરનાર વધુ ચોકસાઈ ધરાવતા હોય છે . ડાબા હાથે લખનારા લોકોમાં મધર ટેરેસા, સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, રતન ટાટા, બરાક ઓબામા, ફિલ્મ નિર્માતા અને અભિનેતા રજનીકાંત અને એન્જેલિના જોલીનો સમાવેશ થાય છે. આમ વિશ્વના ઘણા ખ્યાતનામ લોકોપણ ડાબોડી છે જેણે પોતાનું એક અલગ અસ્તિત્વ અને ઓળખ ઉભી કરી છે. આમ તમારું બાળક જો ડાબોડી હોય તો એ કોઈ શરમ અનુભવવાની વાત નથી.