Home /News /rajkot /રાજકોટ: નામાંકિત ઇમ્પીરીયલ પેલેસ હોટેલમાં ખાવા જતાં પહેલા ચેતજો, મફીન્સમાંથી નીકળ્યા જીવજંતુ

રાજકોટ: નામાંકિત ઇમ્પીરીયલ પેલેસ હોટેલમાં ખાવા જતાં પહેલા ચેતજો, મફીન્સમાંથી નીકળ્યા જીવજંતુ

સાગર રાઠોડ નામના ગ્રાહકે હોટેલ ઇમ્પીરીયલ પેલેસમાંથી શુક્રવારની રાત્રે કેટલીક બેકરી આઈટમ્સ ખરીદી હતી.

સમગ્ર મામલે શનિવારના રોજ સાગર રાઠોડે હોટેલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે બેકરી વિભાગમાં અખાદ્ય વસ્તુ બાબતે રજૂઆત કરતા હોટલનો સ્ટાફ તેમજ હોટલના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર રાહુલ રાવત ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતાં નજરે પડ્યા હતા.

રાજકોટ (Rajkot) ની નામાંકિત હોટેલ ઇમ્પીરીયલ પેલેસ (Imperial Palace Hotel) ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. ઇમ્પીરીયલ પેલેસ હોટલમાં નામાંકિત ફિલ્મ સ્ટાર ક્રિકેટર્સ સહિતના સેલિબ્રિટી રોકાતા હોય છે. ત્યારે હોટલ ઇમ્પીરીયલ પેલેસની બેકરીમાં વેચાતી બેકરી આઈટમ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. સાગર રાઠોડ નામના ગ્રાહકે હોટેલ ઇમ્પીરીયલ પેલેસમાંથી શુક્રવારની રાત્રે કેટલીક બેકરી આઈટમ્સ ખરીદ કરી હતી. જે બાબતનું પેમેન્ટ પણ તેને ઓનલાઈન કર્યું હતું. બેકરી આઈટમો પૈકી મફીન્સ કેક કપ તેણે પોતાની ભત્રીજીને ખવડાવતા ભત્રીજીને ફૂડ પોઝનીંગ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. તેમજ મફીન્સ કેક કપની ચકાસણી કરતા તેમાં જીવાત પડી હોવાનું પણ સામે આવ્યું છે.

સમગ્ર મામલે શનિવારના રોજ સાગર રાઠોડે હોટેલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે બેકરી વિભાગમાં અખાદ્ય વસ્તુ બાબતે રજૂઆત કરતા હોટલનો સ્ટાફ તેમજ હોટલના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર રાહુલ રાવત ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતાં નજરે પડ્યા હતા. જે બાબતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હોટેલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે જ સાગર રાઠોડ નામની વ્યક્તિ મફીન્સ કેક કપમાં રહેલી જીવાત પણ બતાવતા હોય તે પ્રકારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો- હર ઘર તિરંગા અભિયાન અતંર્ગત અમદાવાદમાં 22 લાખ તિરંગા વિતરણનો ટાર્ગેટ 

સામાન્ય રીતે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર ખાદ્ય પદાર્થોને લઈ રેસ્ટોરન્ટ ફૂડની દુકાન સહિતનાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેમજ નાના-નાના ધંધાર્થીઓને અખાદ્ય પદાર્થ રાખવા બદલ દંડિત પણ કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નામાંકિત અને મસમોટી હોટલોમાં પણ પારદર્શિતાથી જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપાઈ શકે તેમ છે. જોકે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ નામાંકિત હોટલોમાં ચેકિંગ કરવાથી દૂર રહેતું હોય છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

આગામી સમયમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નામાંકિત હોટલોમાં નિષ્ઠાપૂર્વક ચેકિંગ કરવામાં આવશે કે કેમ તે પણ એક મસ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. બીજી તરફ રાજકોટની ઇમ્પીરીયલ પેલેસ હોટલમાં બેકરી આઈટમ્સ અખાદ્ય હાલતમાં ઝડપાતા નામ બડે ઓર દર્શન છોટે જેવો ઘાટ સર્જાયો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Rajkot city, Rajkot News, રાજકોટ

विज्ञापन