પોતાના પ્રેમીને પોતાના જ ભાઈએ માર માર્યાની જાણ થતાં સગીર વયની યુવતી પોતાના હાથના ભાગે બ્લેડથી પોતાને જ ઈજા પહોચાડી.
Rajkot Murder: અગાઉ ચેતવણી આપ્યા બાદ પણ પોતાનો મિત્ર પોતાની જ બહેન સાથે પ્રેમ વિલાપ કરતો હોય તે બાબત શાકીર સહન ન થતાં તેને પોતાના મિત્ર અબ્દુલનો સહારો લઇ મિથુનને કાયમી માટે ઉપર પહોંચાડી દેવાનો પ્લાન કર્યો હતો.
રાજકોટ શહેર (Rajkot City)માં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક ભાઈએ પોતાના ભૂતકાળના ભેરુ તેમજ બહેનના પ્રેમી (Love Affair)ને પોતાના અન્ય ભેરુ સાથે મળી મરણતોલ માર માર્યો (Murder) હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભક્તિનગર પોલીસ (Bhaktinagar Police) દ્વારા ગણતરીની જ કલાકોમાં બહેનના પ્રેમીની હત્યા નિપજાવવા મામલે શાકિર રફિકભાઈ કડીવાર તેમજ અબ્દુલ અસ્લમભાઇ અજમેરીની ધરપકડ કરી છે.
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મિથુનનું અપહરણ ભૂતકાળમાં મિત્ર રહી ચૂકેલા શાકીર અને શાકીરના અન્ય એક મિત્રએ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. પ્રથમ તો શાકીર અને તેના મિત્ર અબ્દુલે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને રાજકોટમાં કામકાજ અર્થે સ્થાયી થયેલા મિથુન ઠાકુરનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ મીથુનને ખાટલાના લાકડાના પાયા વડે જુદી-જુદી ત્રણથી ચાર જગ્યાએ માર માર્યો હતો. માર માર્યા બાદ મિથુન જે જગ્યાએ રહેતો હતો તે શેરીમાં તેને ફેકી બંને આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા. મિથુનને ગંભીર ઈજા પહોંચી હોવાની જાણ થતાં તેમને તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર અર્થે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલાની જાણ ભક્તિનગર પોલીસને થતાં તેમને જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. તેમજ મૃતકના પિતાની ફરીયાદના આધારે આઈપીસીની કલમ 302, 364 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી શાકીરે જણાવ્યું છે કે, તે અને મિથુન બંને મિત્રો હતા. બંને મિત્રો હોવાના કારણે ઘર પાસે જ અન્ય મિત્રો સાથે બેસતા ઉઠતા હતા. મિથુન પોતાની બહેનના પ્રેમમાં છે તે બાબતની જાણ મુખ્ય આરોપી અને મિથુનના મિત્ર શાકીરને થતા તેને મિથુનને પોતાની બહેનથી દૂર રહેવા ચેતવણી પણ આપી હતી. તેમ છતાં મિથુન અને સુમૈયા બને એક બીજા સાથે ફોનમાં વાત કરતા હતાં.
અગાઉ ચેતવણી આપ્યા બાદ પણ પોતાનો મિત્ર પોતાની જ બહેન સાથે પ્રેમ વિલાપ કરતો હોય તે બાબત શાકીર સહન ન થતાં તેને પોતાના મિત્ર અબ્દુલનો સહારો લઇ મિથુનને કાયમી માટે ઉપર પહોંચાડી દેવાનો પ્લાન કર્યો હતો. જે પ્લાન અંતર્ગત સૌ પ્રથમ મિથુનને મોટર સાયકલમાં બેસાડીને નદીના કાંઠે તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ માર માર્યો હતો. ત્યારબાદ તેને તેના ઘર નજીક ફેકીને બંને આરોપીઓ જતા રહ્યા હતા.
પોતાના પ્રેમીને પોતાના જ ભાઈએ માર માર્યાની જાણ થતાં યુવતીએ પોતાના હાથના ભાગે બ્લેડથી પોતાને જ ઈજા પહોચાડી હોવાનુ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર સગીર વયની યુવતીએ પોતાના પ્રેમીની હત્યા થતા પોતે પણ આ દુનિયામાં નથી રહેવું તેમ વિચારીને પોતાના ડાબા હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી.