Home /News /rajkot /ગુજરાતમાં માથે મેલુ ઉપડાવાની પ્રથા નાબૂદ થઈ હોય તો કાયદો પણ નાબૂદ કરો!

ગુજરાતમાં માથે મેલુ ઉપડાવાની પ્રથા નાબૂદ થઈ હોય તો કાયદો પણ નાબૂદ કરો!

File Photo

ગુજરાતમાં માથે મેલુ ઉપડાવાનું કામ કરતા લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ અહેવાલ સમયે હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ માર્ટિન મેકવાનનો આ અમનાવીય કુપ્રથા અને સરકારની આ અંગેની ઉપેક્ષાનો ચિતાર આપતો વિશેષ લેખ.

તાજેતરમાં સુપ્રિમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરના અત્યાચારો રોકવા માટેના કાયદા અંગે માર્ગદર્શિકા જાહેર કરી અને નોંધ્યુ કે આ કાયદાનો ગેરઉપયોગ થઇ રહ્યો છે. સામાન્ય ભાષામાં લોકો જેને "એટ્રોસિટી એક્ટ " કહે છે તેની ચર્ચાએ જોર પકડ્યુ છે. પણ એક્ટ જેટલો જ ગંભીર વિષય સાવ ભુલાઈ ગયો છે અને તે છે ‘માથે મેલુ ઉપાડવાની કુપ્રથા’.

સર્વોચ્ચ અદાલતે શંકાસ્પદ રીતે નોંધ્યું કે, અત્યાચાર ધારાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આનાથી સાવ વિપરીત સત્ય એ છે કે માથે મેલુ ઉપાડવાની કુપ્રથા અંત પામે તે માટે ઈ.સ. 2003ની સાલમાં ભારત સરકારે સુધારા કાયદો રજૂ કર્યો પરંતુ ગુજરાત સરકારે તેનો દુરુપયોગ તો ઠીક, પણ તેનો ઉપયોગ જ શરૂ નથી કર્યો.

માથે મેલુ ઉપાડવા અંગે અગાઉનો જે કાયદો હતો તે 22 વર્ષ અમલમાં રહ્યો. આમ છતાંય તે કાયદા નીચે સમગ્ર ભારતમાં એકપણ કેસ નોંધાયો નહોતો. કારણ કે, તે કાયદા હેઠળ આ પ્રથાનો ભોગ બનનાર વ્યક્તિને કે કોઈપણ સમાજસેવકને સીધી ફરિયાદ કરવાનો અધિકાર જ ન હતો. આથી ‘પ્રોહિબિશન ઑફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ, 2013’નો સુધારેલો અને નવો કાયદો 18મી સપ્ટેમ્બર, 2013માં રાષ્ટ્રપતિની મંજૂરી પામ્યો અને ૬ ડિસેમ્બર, 2013ના રોજથી ડૉ. આંબેડકરના નિર્વાણદિને તેનો જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં અમલ શરૂ થયો.

અગાઉના કાયદાથી વિપરીત નવા કાયદામાં વ્યક્તિને સીધી ફરિયાદ કરવાનો અધિકાર છે. નવા કાયદા હેઠળ બનતા ગુના પોલીસ અધિકારક્ષેત્રના નથી અને બિનજામીનપાત્ર છે. સુધારેલા અત્યાચાર ધારામાં માથે મેલુ ઉપડાવવું તેને અત્યાચારની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યું છે. સુધારેલા કાયદામાં દીવાની અદાલતનું કાર્યક્ષેત્ર દૂર કરવામાં આવ્યું છે અને કાયદાના ઉલ્લઘંન બદલ કારાવાસની જોગવાઈ કરી છે. આટલો કડક કાયદો બન્યો હોવા છતાં ભારતમાં એ કાયદાનો દૂરુપયોગ થઈ રહ્યો છે એવી ફરિયાદ નથી લોકો કરતા કે નથી ન્યાયતંત્ર કરતું. એનો મતલબ એવો નથી થતો કે લોકોએ અને સરકારે આ કાયદાને વધાવી લીધો છે, પરંતુ દૂરુપયોગની ફરિયાદ ન થવાનું એકમાત્ર કારણ એ છે કે આ કાયદા વિશે ઘણા ઓછા લોકોને ખબર છે અને સરકારે એ કાયદાનો અમલ શરૂ કર્યો જ નથી, એવું કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નથી.

સૌપ્રથમ તો આ કાયદો અંગ્રેજી અને હિંદી ભાષામાં છે. આ કાયદાના અમલને સાડા ચાર વર્ષ વીતી ગયાં હોવા છતાં ગુજરાત સરકારે હજુ તેનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું નથી. શા માટે ગુજરાતીમાં ભાષાંતર જરૂરી છે ? એટલા માટે કે આ કાયદાનો અમલ કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયતને પણ સોંપવામાં આવી છે. સવાલ એ છે કે ગ્રામ પંચાયતના કેટલા હોદ્દેદારોને હિંદી અને અંગ્રેજી વાચતાં-સમજતાં આવડે છે ? આની ચર્ચા અહીં ટાળીએ.

થોડા દિવસો પહેલા જ, મેં ગુજરાતમાં હાલમાં જ ચુંટાયેલા બે અનુસૂચિત જાતિના ધારાસભ્યો સાથે વાત કરી. આ કાયદા હેઠળ ગુના બનતા અટકાવવાની એટલે કે, માથે મેલુ ઉપાડવાની પ્રથા બંધ કરવાની અને સફાઈ કામદારોના પુનર્વસનની જવાબદારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આ કાયદાના અમલ માટે સમિતિ બનાવે તેમાં તે જિલ્લામાંથી ચુંટાયેલા અનુસૂચિત જાતિના ધારાસભ્યની તે સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવાની કાયદામાં જ જોગવાઈ છે. નવી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સાડા ચાર મહિનાનો થઈ ગયો હોવા છતાં આ બંને ધારાસભ્યોને કલેક્ટરે આવી સમિતિમાં જોડાવાનું નિમંત્રણ મોકલ્યું નથી.

નવા સુધારેલા કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા કે નગરપાલિકાએ અને ગ્રામીણ વિસ્તારમાં પંચાયતે આ કાયદાનો અમલ શરૂ થાય એના બે મહિનાની અંદર સર્વેક્ષણ પૂરું કરીને યાદી બહાર પાડવાની હતી કે તેમના વિસ્તારમાં કેટલાં કુશૌચાલયો છે, જેમાં માથે મેલુ ઉપાડવા સંબંધી કાયદાનો ભંગ થતો હોય. આવી યાદી બહાર પડ્યાના 15 દિવસની અંદર સ્થાનિક સત્તાવાળાએ નિયમ વિરુદ્ધના શૌચાલયોના માલિકો, પછી તે વ્યક્તિ હોય કે કંપની, તેમને નોટિસ આપી આવાં શૌચાલય દૂર કરાવવાની સૂચના કાયદામાં આપેલી છે. આવી નોટિસ મળ્યાના વધુમાં વધુ ૬ મહિનાની અંદર વ્યક્તિને હાથથી મળ સફાઈ કરાવવાની જરૂરિયાતવાળાં તમામ શૌચાલયો દૂર થાય તેવી કાયદાની સ્પષ્ટ સમયમર્યાદા દર્શાવવામાં આવી છે. આવાં કુશૌચાલયો તેમના માલિકો સુધારે નહીં અને તોડી ન પાડે તો સરકારે તે તોડી પાડી તેનો ખર્ચ આવા માલિકો પાસેથી કાયદાનુસાર વસૂલવાનો રહેશે. એનો મતલબ કે ૬ સપ્ટેમ્બર, 2014 સુધીમાં ગુજરાતના કોઈપણ ખૂણે આવું એકપણ શૌચાલય ન રહેવું જોઈએ. બીજા શબ્દોમાં, માથે મેલુ ઉપાડવાની કુપ્રથાનો ૬ સપ્ટેમ્બર, 2014 એ છેલ્લો દિવસ હતો. આજે આ અંગે આપણે શું કહીશું ? સરકારે કેટલા જિલ્લામાં આવાં કુશૌચાલયોની યાદી બહાર પાડીને તેને તોડાવ્યાં છે? આ કાયદા હેઠળ તેનો ભંગ કરનાર વ્યક્તિ અને સંસ્થાને ૧ વર્ષથી ૨ વર્ષ સુધીની કારાવાસની સજાની જોગવાઈ થઈ છે. તે મુજબ કેટલા કેસ નોંધાયા છે અને કેટલા લોકોને સજા થઈ છે ?

કાયદો સ્પષ્ટ દિશા આપે છે કે કુશૌચાલયની જેમ, જે લોકો આ કુપ્રથાનો ભોગ બન્યા હોય તેમની યાદી સરકારે બહાર પાડવાની હતી અને આવા તમામ લોકોને ફોટાવાળું ઓળખપત્ર આપવાનું હતું. આ તબક્કે નોંધવું જરૂર છે કે માથે મેલુ નાબૂદીના રાષ્ટ્રીયપંચના ભૂતપૂર્વ સભ્ય, જેઓ અત્યારે આપણી વચ્ચે હયાત નથી તેવા ઈશ્વરભાઈ પટેલે ગુજરાત સરકાર પાસે 1997માં સફાઈ કામદારોની યાદી માંગી હતી પણ તે આપવાનો સરકારે ઈનકાર કર્યો હતો. કારણ કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસેથી તે અંગેની યોજનાના મથાળાં હેઠળ માત્ર ફંડ મેળવવા આવા સફાઈ કામદારોના આંકડા રજૂ કરતી હતી. સ્વાભાવિક છે કે રાષ્ટ્રીયપંચના સભ્યને સરકાર માહિતી ન આપતી હોય અને ગુજરાતની વડી અદાલત અને માહિતી કમિશ્નરની સૂચનાથી વિરુદ્ધ જઈ સંજયપ્રસાદ કમિશનનો અહેવાલ સરકાર જાહેર ન કરતી હોય તો તેની પાસેથી સામાન્ય નાગરિક કઈ રીતે માહિતી મેળવી શકે ?

આ કામ કરતાં તમામ કામદારોને મકાન બાંધવા માટે જમીન અને મકાન બાંધવા આર્થિક સહાય આપવાની હતી અથવા તો તૈયાર મકાન આપવાનાં હતાં. વધુમાં, આવા કામદારનાં બાળકોનાં શિક્ષણમાં શિષ્યવૃત્તિ આપવાની હતી. આવાં કામદારને અથવા તે કુટુંબના વયસ્ક વ્યક્તિને ઓછામાં ઓછા રૂ. 3000 (ત્રણ હજાર)નું માસિક ભથ્થું આપી તેમને આજીવિકાલક્ષી તાલીમ આપવાની હતી અને તાલીમના અંતે તેઓ જે આર્થિક પ્રવૃત્તિ કરે તેમાં ઘટાડેલા દરે બૅંક લોન આપવાની હતી. અર્થાત્ ૬ સપ્ટેમ્બર, 2014 સુધીમાં ગુજરાતમાં તમામ સફાઈ કામદારોનું પુનર્વસન થઈ જવું જોઈતું હતું.

1996માં રાણપુર ખાતે માથે મેલુ ઉપાડવાની પ્રથા સામે નવસર્જને સમગ્ર રાજ્યમાં આ પ્રથા અસ્તિત્વમાં છે તેનો પર્દાફાશ કર્યો ત્યાર પછી ગુજરાત સરકારને આ અંગેનો કાયદો પોતાના રાજ્યમાં અમલમાં ન લાવી હોવાનું યાદ આવ્યું હતું. સફાળી જાગેલી સરકારે ત્યારે સફાઈ કામદારોનીં પુનર્વસન માટેની યોજના બહાર પાડી હતી. આ યોજનાનો લાભ લેવા રાણપુરનો પ્રથમ સફાઈ કામદાર બેકના પગથિયાં ચડ્યો હતો. બેંકે તેણે માંગેલી કાપડની ફેરી શરૂ કરવા માટેની લોન નકારતાં એવું કહ્યું હતું કે તમને આ કામનો અનુભવ નથી. જો કે,બેંકે તેને લોન આપી ખરી પણ નવો ઢોલ ખરીદવા માટે!. કારણ કે જ્ઞાતિઆધારિત ધંધા અનુસાર એક દલિત તરીકે કહેવાતા ઊજળિયાતોનાં ઘરે શુભ પ્રસંગે તેને ઢોલ વગાડવાનો અનુભવ હતો.

છેલ્લે, મનમાં એક જ સવાલ રહે છે કે, નવા કાયદાએ બાંધેલી સમયમર્યાદા અનુસાર જોતાં ગુજરાતમાં એકપણ કુશૌચાલય રહ્યું નથી અને તમામ સફાઈ કામદારોનું પુનર્વસન થઈ ગયું છે ! તો હવે આ કાયદાની શું જરૂર છે ? ગુજરાત સરકાર ભારતનું આદર્શ રાજ્ય બની આ કાયદાના નાબૂદીની પહેલ કરશે ?

(માર્ટિન મેકવાન  જાણીતા હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ છે. લેખમાં દર્શાવેલ વિચારો લેખકના અંગત છે. )
First published:

Tags: કાયદો