રાજકોટના બનાવમાં પોલીસનું પ્રાથમિક તારણ : કોન્સ્ટેબલ પરિણીત હોવાથી ASI પ્રેમિકા સાથે લગ્ન કરી શકે તેમ ન હતો, મોડી રાત્રે પ્રેમિકાના ઘરે હત્યાકાંડ સર્જાયો હતો.
ન્યૂઝ18 ગુજરાતી : રાજકોટ મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પોલીસની પ્રાથમિક તારણમાં એવી વિગતો સામે આવી છે કે પરિણીત પ્રેમી પોલીસમેને પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી પહેલા ASI પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. એવી વિગતો સામે આવી છે કે ASI પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતી હતી. બીજી તરફ કોન્સ્ટેબલ પરિણીત હોવાથી લગ્ન કરવાનું શક્ય ન હતું. આ માટે પ્રેમીએ ઉગ્ર બોલાચાલી બાદ પ્રેમિકાને ગોળી મારીને પોતે પણ આપઘાત કરી લીધાનું પોલીસ માની રહી છે.
પ્રેમિકાની હત્યા બાદ આપઘાત કરી લેનાર પોલીસ કોન્ટેબલ રવિરાજસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા હતા. તેઓ પત્ની સાથે મવડી પોલીસ હેટક્વાર્ટર ખાતે રહેતા હતા. બુધવારે રાત્રે તેઓ ઘરે ન પહોંચતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. જે બાદમાં પરિવારે તપાસ કરતા રવિરાજસિંહ તેની સાથે જ ફરજ બજાવતા ખુશ્બુ કાનાબાર સાથે હોવાની માહિતી મળી હતી. ખુશ્બુ કાનાબાર એએસઆઈ તરીકે પોલીસમાં જોડાયા હતા.
રાત્રે કોન્સ્ટેબલ રવિરાજની તપાસ માટે પરિવારના સભ્યો 150 ફૂટ રિંગરોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે પહોંચ્યા હતા. અહીં ઇ-વિંગમાં ફ્લેટ નંબર 402માં એએસઆઈ ખુશ્બુ રહેતા હતા. તપાસ કરતા ફ્લેટની અંદર બંનેનાં મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં પડ્યાં હતા. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
લગ્નના દબાણને કારણે હત્યા બાદ કર્યો આપઘાત
પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે લગ્નના દબાણ બાદ મૃતક રવિરાજસિંહ અને ખુશ્બુ વચ્ચે ઝઘડો થયો હશે. જે બાદમાં ખુશ્બુને ફાળવવામાં આવેલી પિસ્ટલમાંથી ગોળીબાર કરીને રવિરાજે ખુશ્બુની હત્યા કરી હતી અને બાદમાં પોતે પણ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
ગોળી માથામાંથી આરપાર થઈ ગઈ
આપઘાત અને હત્યાના બનાવ બાદ પોલીસે તપાસ માટે એફએસએફલ ટીમની મદદ લીધી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે રવિરાજસિંહના માથામાંથી ગોળી આરપાર થઈ ગઈ હતી. આથી તેમણે લમણે ગોળી રાખીને ટ્રિગર દબાવ્યું હોવાનું માનવામાં આવે છે. જ્યારે ખુશ્બુને જે ગોળી મારવામાં આવી હતી તે તેના માથામાં જ ફસાઈ રહી હતી. તપાસ કરતા ઘરની તમામ વસ્તુઓ જેમની તેમ પડી હતી. રવિરાજ અને ખુશ્બુના શરીરમાં ઈજાના બીજા કોઈ નીશાન ન હતા.
રાત્રે પ્રેમિકાને મળવા આવ્યો હતો કોન્સ્ટેબલ
એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરી લેનાર કોન્સ્ટેબલ બુધવારે મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. બીજી રવિરાજ ઘરે ન પહોંચતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા હતા.