રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઊભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ઘઉં, મરચા અને કપાસ સહિતના પાકને ખૂબ નુકસાન થયું છે.
ગોંડલના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
રાજકોટના ગોંડલ તાલુકામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. તાલુકાના કોલીથડ, હડમતાળા, વેજાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ઘઉં, મરચા, ચણા સહિતનો પાક નિષ્ફળ થઈ ગયો છે. જેને લઈને ખેડૂતોની માથે આભ ફાટ્યાં જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે.
રાજકોટમાં પણ કમોસમી વરસાદ
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના સર્કિટ હાઉસ અને રેસકોર્ષ જેવા વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને કારણે ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું.
રાજકોટના ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ફરી સાંબેલાધાર વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા વાવેરા ગામે ઘણો નદીમાં પૂર આવ્યું છે. વાવેરા, વણોટ, ઘડલા સહિત ઉપરવાસમાં આવેલા ગામોમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. ત્યારે ઘણો નદીમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે. ભરઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતુ અને જોવા પહોંચ્યા હતા.