રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું હતું કે, તેમણે આ વખતે 4500થી 5500 એક મણ જીરાનો ભાવ મળશે તેવું ધાર્યું હતું. જોકે તેમની ધારણા કરતા 1000 જેટલો વધુ ભાવ મળ્યો છે.
રાજકોટ: 2023નું નવું વર્ષ જીરું વાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના 6300થી લઈને 6500 સુધીના હાઈએસ્ટ ભાવ જીરાના મળ્યા હતા. એક મણનો ભાવ 6500 રૂપિયા જેટલો મળતા ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી. આજ પહેલા ખેડૂતોને ભાવ અગાઉ ક્યારે મળ્યો ન હતો. ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે જીરાનો મળ્યો હતો.
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું હતું કે, તેમણે આ વખતે 4500થી 5500 એક મણ જીરાનો ભાવ મળશે તેવું ધાર્યું હતું. જોકે તેમની ધારણા કરતા 1000 જેટલો વધુ ભાવ મળ્યો હતો. રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જીરૂ વેચવા આવ્યા હતા.
આ અંગે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, આજે ભાવ છે એ ઐતિહાસિક ભાવ છે. આટલા સારા ભાવ મળવા પાછળના અલગ અલગ કારણો પણ છે. જેમાંથી સૌથી મહત્વનું કારણ એ છે કે, આ વખતે જીરાનું ઉત્પાદન ઓછું જ રહ્યું છે. ત્યારે ગયા વર્ષનું જે જીરું છે તેમની માર્કેટ જોઈને ખેડૂતો અત્યારે સારા ભાવ સાથે જીરાનો પાક વેચી રહ્યા છે.
અન્ય એક કારણ એવું પણ સામે આવ્યું છે કે, હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. રાજકોટ પંથકમાં ઉત્પાદન થતું જીરુ એ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ગુણવત્તાવાળું હોવાનું પણ મનાય છે. ત્યારે સારી ગુણવત્તાવાળા જીરાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખૂબ સારા મળી રહ્યા છે. હાલ દરરોજ આશરે 2000 જેટલી ગુણી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતી હોય છે.