Home /News /rajkot /રાજકોટ : ખેડૂત નેતા પાલ આંબલિયાને પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ, બેભાન થયા

રાજકોટ : ખેડૂત નેતા પાલ આંબલિયાને પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ, બેભાન થયા

પાલ આંબલિયા મામલતદાર ઓફિસમાં બેભાન થયા.

પાલ આંબલિયાને માર મારીને જે પોલીસ અધિકારીઓએ કાયદો પોતાના હાથમાં લીધો છે તેમણે ભોગવવું પડશે : અમિત ચાવડા

રાજકોટ : ગુજરાત કિસાન કૉંગ્રેસના ચેરમેન તેમજ ખેડૂત નેતા પાલ આંબલિયા (Pal Ambaliya)ને રાજકોટ પોલીસે (Rajkot Police) ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બુધવારે ખેડૂતોને પાકના આછા ભાવ મળતા હોવાની રજુઆત કરતી વખતે પોલીસ તેમની ધરપકડ કરી હતી. જે બાદમાં આજે તેમને મામલતદાર ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા. મામલતદાર ઓફિસ ખાતે પાલ આંબલિયા બેભાન બની ગયા હતા. જે બાદમાં કૉંગ્રેસ (Gujarat Congress) તરફથી આ મામલે આક્રમક આંદોલન કરવાની ચમકી ઉચ્ચારવામાં આવી છે.

કૉંગ્રેસ કાયદાકીય લડત લડશે : અમિત ચાવડા

આ મામલે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, પાલ આંબલિયા ખેડૂતોની વેદનાને વાચા આપવાનું કામ કરતા હતા. તેમને પોલીસ મથકમાંથી ખાનગી ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ્યની પોલીસ સરકારના ઇશારે કામ કરવાનું બંધ કરે. પોલીસે એ સમજવું પડશે કે આ સરકાર કાયમી રહેવાની નથી. મુખ્યમંત્રીના ઇશારે પોલીસે ખેડૂતોને માર માર્યો છે. આ સાથે સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી ગઈ છે. એટલું જ નહીં મામલતદાર દ્વારા પણ પાલભાઈને હૉસ્પિટલમાં દાખલ કરાયા ન હતા. આ સમગ્ર મામલે અમે કાયદાકીય લડત લડવા માટે તૈયાર છીએ. જે પોલીસ અધિકારીઓએ કાયદો પોતાના હાથમાં લીધો છે તેમણે ભોગવવું પડશે.



આ મામલે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેમણે જવાબદાર અધિકારીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે લૉકડાઉન અને કોરોના વાયરસના નામે પોલીસ અધિકારીઓ તરફથી કરવામાં આવતી કનડગતની પણ તપાસ કરવાની માંગ કરી છે.

નોંધનીય છે કે બુધવારે ગુજરાત કિસાન કૉંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં કાર્યકરો રાજકોટ કલેક્ટર કચેરીએ પીએમ રાહત ફંડમાં આપવા માટે ડુંગળી, લસણ, કપાસની બોરીઓ લઈ પહોંચ્યા હતા. જોકે, તેઓ કલેક્ટરને રજુઆત કરે તે પહેલા જ પોલીસે પાલ આંબલિયા સહિત ચાર લોકોની અટકાયત કરી લીધી હતી. પોલીસે તેમની સાથે રહેલી ડુંગળી સહિતની બોરીઓ પણ જમા લીધી હતી.

ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવા બાબતે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કપાસ, એરંડા અને ડુંગળીના ભાવોમાં અડધાથી લઈ 20 ગણો ઘટાડો થયો છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો પાક વેચવા આવે છે પણ પોષણક્ષમ ભાવ ન મળતા આ ખેતપેદાશ રાજકોટ કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરવવા માટે અમે અહીં આવ્યા છીએ.

કિસાન કૉંગ્રેસ દરેક જિલ્લા મથકે આવેદનપત્ર આપશે

ગુજરાત કિસાન કૉંગ્રેસના પાલ આંબલિયાના માર મારવા મામલે કિસાન કૉંગ્રેસ દરેક જિલ્લા મથકે શુક્રવારે આવેદનપત્ર આપશે. આ મામલે જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોને ડુંગળી, કપાસ, એરંડા, તમાકુ સહિતની તમામ ખેત પેદાશોના વ્યાજબી ભાવ નથી મળતા ત્યારે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. એવાં કપરા સંજોગોમાં ખેડૂતોની વ્યથાને વાચા આપવા ગુજરાત કિસાન કૉંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબાલિયા અને ખેડૂતો રાજકોટ કલેક્ટર પાસે ગયા હતા. ખેડૂતોનો અવાજ દબાવવા મુખ્યમંત્રીના ઈશારે તેમને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસના જે અધિકારીઓએ કાયદો હાથમાં લીધો છે. તેમની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આવતીકાલે તમામ જિલ્લા મથકે કલેકટરને કિસાન કૉંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે.

કૉંગ્રેસ ભોળા ખેડૂતોને ગેરમાર્ગ દોરવાનું બંધ કરે : ભાજપ

પાલ આંબલિયાને માર મારવા મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાબુભાઇ જેબલિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાત આજે કોરોના સામેની લડાઈ લડી રહ્યો છે ત્યારે આ કપરા સમયમાં પણ કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારી રાજકીય નોટંકી કરી રહી છે તે દુઃખદ બાબત છે. પોતાના રાજકીય રોટલા શેકવા રાજ્યના ભલા ભોળા ખેડૂતોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનું દુષ્કૃત્ય કોંગ્રેસ બંધ કરે. ભાજપાની સરકાર ખેડૂતોની સરકાર છે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની સંવેદનશીલ રાજ્ય સરકાર ખેડૂતોને હર સંભવ મદદ કરી રહી છે. આજે ખેડૂતોની ચિંતાનો ઢોંગ કરનારી કોંગ્રેસે ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા યોજનાને વર્ષો સુધી લટકાવી રાખી હતી. કેન્દ્રની કોંગ્રેસ સરકારે નર્મદા યોજનાનું કામ આગળ ન વધે તે હેતુથી કેટલા રોડા નાખ્યા તે જગજાહેર છે.

આ પણ વાંચો :

" isDesktop="true" id="983772" >
First published:

Tags: Amit Chavda, Lockdown, કોંગ્રેસ, ખેડૂત, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો