રાજકોટ: રાજ્યમાં ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. ત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર સામે આવ્ચા છે. ખોડલધામના લોબિંગ અંગે ભાજપ સાંસદે ખુલાસો કર્યો છે. રમેશ ટીલાળાની ચૂંટણી લડવા અંગે સાંસદ રમેશ ધડુક નિવેદન આપતા કહ્યુ છે કે, 'રમેશ ટીલાળા રાજકોટની બેઠકથી લડવા માગે છે પરંતુ રાજકોટની કઈ બેઠક તે અંગે ખુલાસો કર્યો નથી.
સાંસદ રમેશ ધડુકનો ખુલાસો
એમપી રમેશ ધડુકનો દાવો છે કે, રમેશ ટીલાળા તેમને મળ્યા હતા. બે દિવસ પહેલા નરેશ પટેલ, રમેશ ટીલાળાએ મુલાકાત કરી હતી. તેમણે ભાજપ મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી. મુલાકાતના અહેવાલો પર સાંસદ રમેશ ધડુકે ખુલાસામાં કહ્યુ છે કે, રમેશ ટીલાળા ગોંડલથી લડવાના નથી. ગોંડલ પર ગીતાબાને રિપિટ કરવાની માગ કરવામાં આવી છે.
રમેશ ટીલાળાને ક્યાંથી લડવી છે ચૂંટણી?
એમપી રમેશ ધડુકએ ટિકિટ મુદ્દે નિવેદન આપતા એમ પણ જણાવ્યું હતું કે, રમેશ ટીલાળા ગોંડલથી ચુંટણી નહીં લડે. રાજકોટની કોઈપણ સીટ પરથી ટિકિટ મળશે તો ચૂંટણી લડશે. નહીં મળે તો પણ વાંધો નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે, ગોંડલ બેઠક પરથી જેને પણ ટિકિટ મળશે એમને મારું સમર્થન રહેશે. સાંસદ રમેશ ધડુકએ ગીતાબા જાડેજાને પાર્ટી દ્વારા રિપિટ કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ગોંડલ સીટ પર ચાલતા જૂથવાદને ખતમ કરવાના રમેશ ધડુકએ પ્રયાસ કર્યા હોવાનું વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ આવનારી લોકસભાની ચૂંટણી હું નહીં લડું તેવું પણ રમેશ ધડુકએ કહ્યુ હતુ.
નોંધનીય છે કે, ગઈકાલે સિદસર ઉમિયધામના જયરામ પટેલે પણ પાટીદારો માટે ટિકિટની માગ કરી છે. જયરામ પટેલે રાજકોટ પશ્ચિમ સહિત સૌરાષ્ટ્રની 10 બેઠકો પર તેમને ટિકિટ મળે તેવી માગ કરી હતી. એક તરફ લેઉવા પાટીદારો એટલે કે ખોડલધામના નરેશ પટેલ રાજકોટ દક્ષિણથી રમેશ ટિલાળાને ટિકિટ મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ કડવા પાટીદારો એટલે કે સિદસરના જયરામ પટેલ રાજકોટ પશ્ચિમથી માંગ કરી રહ્યા છે.
આપને જણાવીએ કે, હાલ ગોંડલ જૂથના જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજાએ ટિકિટની માંગ કરી છે. ટિકિટ માટે બે ક્ષત્રીય જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.