Home /News /rajkot /

Gujarat Assembly Election: શું કોંગ્રેસ રાજકોટ પશ્ચિમ બેઠકને ભાજપ પાસેથી છીનવી શકશે? આંતરિક જુથવાદ કોને કોને નડશે?

Gujarat Assembly Election: શું કોંગ્રેસ રાજકોટ પશ્ચિમ બેઠકને ભાજપ પાસેથી છીનવી શકશે? આંતરિક જુથવાદ કોને કોને નડશે?

રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) હવે હાથવેંતમાં છે. આગામી ઓકટોબર મહિનામાં ચૂંટણીની આચારસંહિતા લાગી જાય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. અલબત્ત હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ ચૂંટણી (Election)માં ઘણા બધા રાજકીય સમીકરણો બદલાશે. મોટા નેતાઓ (Big leaders)ને સાચવવા પડશે, યુવાનોને આગળ કરવાના થશે અને જ્ઞાતિવાદી રાજકારણ પણ રમવું પડશે. આવી સ્થિતિમાં સૌનું ધ્યાન રાજ્યની કેટલીક હોટ સીટ પર રહેશે. આ હોટ સીટમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક (Rajkot West Assembly Constituency)નો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના રાજકારણનું પાટનગર ગણાતા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક ગુજરાતની અત્યાર સુધીની સૌથી વધારે VIP બેઠકોમાંની એક ગણી શકાય છે. આ બેઠક પર હાલમાં વિજયભાઈ રૂપાણી ધારાસભ્ય છે.

    રાજકોટ પશ્ચિમ તરીકે ઓળખાતી વિધાનસભા બેઠક-69 બેઠક પર ભાજપે આંતરિક બેલન્સ સાચવવું પડશે. જોકે, ભાજપ માટે આ બેઠક રાજ્યમાં સૌથી વધારે સુરક્ષિત સીટો પૈકીની એક સીટ માનવામાં આવે છે. 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌથી સલામત વિધાનસભાની બેઠકની શોધમાં હતા. ત્યારબાદ તેમણે આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને મોદી પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાઇને આવ્યા હતા.

    અહી ઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો વર્ષોથી ગઢ રહી છે, 1977થી 2015 સુધી મહાપાલિકામાં માત્ર પાંચ વર્ષને બાદ કરતા દરેક વખતે ભાજપ સત્તા પર રહ્યું છે, લોકસભા બેઠક પર 20 વર્ષથી ભાજપનો કબજો રહ્યો હતો. આવી સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક જીતવા માટે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ કદાવર ઉમેદવાર રાખવા પડશે.

    રાજકોટ પશ્ચિમ બેઠક પર સવર્ણ મતદારોનું વર્ચસ્વ

    રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.

    2017ની વિધાનસભા ચૂંટણીનો જંગ

    ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર હાર્દિક પટેલની કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. તે સમયે ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી હતા અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ચૂંટણી લડી હતી. વિજયભાઈ રુપાણીને હરાવવા અને ભાજપનો ગઢ છીનવવા માટે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડવાનો નિર્ણય લીધો હતો. આ બેઠક પરની ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.
    આ પણ વાંચો: જુઓ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકનો ચિતાર, જાણો મતદારોની સમસ્યા અને રાજકીય ગણિત

    રાજકોટ પશ્ચિમ બેઠકનો ઈતિહાસ

    આ બેઠક ભાજપ માટે એકદમ સુરક્ષિત છે. 1985થી 2002 સુધી વજુભાઈ વાળાએ આ બેઠક પર સતત જીત નોંધાવી હતી. બાદમાં 2002માં વજુભાઈએ નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી આપી હતી અને મોદી પોતાની પહેલી ચૂંટણી અહીં માત્ર 14,728 વોટથી જીત્યા હતા. જે બાદ છેલ્લે 2012માં વજુભાઈ વાળાએ આ બેઠક પર 24,500 વોટથી જીત મેળવી હતી. જોકે 2014માં તેમને ગવર્નર બનાવવામાં આવતા વિજય રુપાણી અહીં પેટા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે જીત મળી હતી.














































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017વિજયભાઈ રૂપાણીભાજપ
    2014 (પેટા ચૂંટણી)વિજયભાઈ રૂપાણીભાજપ
    2012વજુભાઈ વાળાભાજપ
    2007વજુભાઈ વાળાભાજપ
    2002 (પેટા ચૂંટણી)નરેન્દ્રભાઈ મોદીભાજપ
    2002વજુભાઈ વાળાભાજપ
    1998વજુભાઈ વાળાભાજપ
    1995વજુભાઈ વાળાભાજપ
    1990વજુભાઈ વાળાભાજપ
    1985વજુભાઈ વાળાભાજપ
    1980મણીભાઈ રાણપરાકોંગ્રેસ (આઈ)
    1975અરવિંદભાઈ મણિયારબીજેએસ
    1972પ્રદ્યુમ્મનસિંહજી જાડેજાકોંગ્રેસ
    1967એમ પી જાડેજાએસડબલ્યુએ

    અહી નોંધનીય છે કે, ભારતીય જન સંઘની સ્થાપના બાદની ચુંટણીમાં પાટીદાર નેતા સ્વ. કેશુભાઈ પટેલ આ બેઠક પર ચૂંટણી જીત્યા હતાં. રાજકોટથી રાજ્યને ત્રણ મુખ્યમંત્રીઓ મળ્યા છે. જેમાં સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીનો સમાવેશ થાય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ બેઠક પરથી 131586 મત મળ્યા હતા.

    ભાજપનો આંતરિક જૂથવાદ

    પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને ખુરશી પરથી ઉતારી દેવાયા બાદ રાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ શમતો જ નથી. અવારનવાર વિવાદો ઊભા થઈ રહ્યા છે, જેની ચૂંટણી લડવા પર અસર થઈ શકે છે. ભાજપના કેટલાક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજયભાઇનું નામ ન હોવાને લઈને દર વખતે વિવાદનો નવો ફણગો ફૂટે છે. રાજકોટ ભાજપમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં પણ આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું હતું. સત્તામાં બેઠેલા રાજ્યસભાના એમપી રામ મોકરિયા અને રૂપાણી વચ્ચે સ્ટેજ પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં સી.આર. પાટીલને જાહેરમાં ખુલાસો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો હોય, અંડરબ્રિજનું ઓપનિંગ કે પછી પાટીલની બેઠક હોય, દર વખતે રૂપાણી હાજર રહેતા ન હોવાથી નારાજગી કે જૂથવાદ જવાબદાર હોવાનું સ્પષ્ટ થાય છે.

    આ બેઠક પર ભાજપના દાવેદાર

    રાજકોટ પશ્ચિમની બેઠક પર હાલમાં વિજયભાઈ રૂપાણી ધારાસભ્ય છે, એક વર્ષ પહેલાં જે રીતે રાજ્યમાં ભાજપે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલીને યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, તે જોતાં ભાજપના લગભગ જૂના કાર્યકર્તાઓ આ ચૂંટણીમાં ઉમેદવારી નહીં નોંધાવે તેવું જણાઈ આવે છે. આ ઉપરાંત રાજકોટની ચાર બેઠકોમાંથી ત્રણમાં નો રિપીટ થિયરી અને એક બેઠકમાં રિપીટના સંકેત જણાઈ રહ્યા છે. રાજકોટમાં વિજયભાઈ રૂપાણી, ગોવિંદ પટેલ અને રાજકોટ ગ્રામ્યમાં લાખાભાઇ સાગઠીયા એમ ત્રણ બેઠકો નો રિપીટમાં હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીની બેઠક પર રિપીટ ના સંકેત છે, જો કે ત્યાં ભાજપ આંતરિક બેલેન્સ સાચવવું પડે તેવા સંજોગો છે.

    વિજયભાઈ રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર ઉમેદવાર કોણ તેની અટકળો તેજ બની રહી છે. ચૂંટણી સામે આવતા જ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને જુથવાદના કારણે હંમેશા ચર્ચામાં રહેતા રાજકોટ ભાજપનું એક જુથ સક્રિય થયું છે. શહેર ભાજપમાં ગુપચુપ બેઠકો શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા દક્ષિણ રાજકોટના આગેવાનોએ છૂપી રીતે જમવાણનું આયોજન કર્યું હોવાનું પણ જાણવા મળે છે. બીજી તરફ રાજકોટની ચાર બેઠકો માટે ભાજપના દાવેદારો પ્રોફાઈલ કરવા લાગ્યા છે. વિધાનસભાની ચાર બેઠકોના આંતરિક સર્વે પછી ભાજપના નવોદિત દાવેદારો ઉત્સુક થયા છે. આ દરમિયાન રાજકોટ પશ્ચિમ બેઠક પર કશ્યપ શુક્લ, કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, ડો દર્ષિતા શાહ, કલ્પક મણિયારના નામો ચર્ચામાં છે.
    આ પણ વાંચો: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણની બેઠક પર શું છે પરિસ્થિતિ, કેવો રહેશે 2022 વિધાનસભાનો ખેલ
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन