ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ((Gujarat Assembly election 2022)) નજીક આવતા જ રાજકારણ અને સત્તાના અનેક રંગો પ્રજાને જોવા મળે છે. ગુજરાતમાં વર્ષ 2022ની ચૂંટણીની જાહેરાતની કાગડોળે રાહ જોવાઇ રહી છે. કોઇ પણ સમયે જાહેરાત થઇ શકે છે, તેવા ભય વચ્ચે તમામ પક્ષો અત્યારથી પોતાની બેઠકો સુરક્ષિત કરવામાં અને વધારવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે અમુક બેઠકો રાજ્યમાં એવી પણ છે જેમાં ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ રચાય છે. ત્યારે જસદણ બેઠક પર અનેક સમીકરણો એવા છે કે જે સત્તાધારી પક્ષને નુકસાન કરી શકે છે અને કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. આવો જોઇએ જસદણ બેઠક (Jasdan assembly seat) પરના રસપ્રદ લેખા-જોખા.
જસદણ બેઠકના (jasdan assembly constituency) રાજકીય ઈતિહાસ પર નજર
જસદણ બેઠકને આમ તો વર્ષોથી કોંગ્રેસનો કિલ્લો માનવામાં આવે છે. કારણ કે વર્ષ 1995થી 2017 સુધી અહીં સતત પંજાની પકડ રહી હતી. 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા તો 2009માં કુંવરજી બાવળિયા રાજકોટ લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા અને ભાજપના દાયકાઓ જૂના ગઢના કાંગરા ખેરવી ભવ્ય વિજય મેળવ્યો હતો. જે બાદ જસદણ બેઠક પરની પેટા ચૂંટણીમાં કુંવરજીના સ્થાને તેમના પુત્રી ભાવનાબેનને ટિકીટ આપવામાં આવી હતી. જો કે ભાજપના ઉમેદવાર ભરત બોઘરા સામે ભાવનાબેનની હાર થઇ હતી
2012ની ચૂંટણીમાં ભોળાભાઇ ગોહિલ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જો કે 2014માં કુંવરજી બાવળિયા લોકસભા હારી જતા તેઓ ફરી વિધાનસભા લડશે તેવા ડરથી ભોળાભાઇએ કોંગ્રેસ છોડી દીધી હતી. કુંવરજીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકીટ મેળવી અને જસદણ વિધાનસભા જીતી ગયા હતા. પરંતુ વર્ષ 2018માં કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.
જસદણ બેઠક પર પેટા ચૂંટણી
આ ચૂંટણી કુંવરજી બાવળિયાએ કરેલા પક્ષપટાના કારણે યોજાઈ રહી હતી. બાવળિયાએ રાજીનામું ધર્યું અને બીજી તરફ ભાજપે તેમને મંત્રીપદ સોંપ્યું હતું. બાવળિયા પાંચ વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને તેઓ કોળી સમાજના આગેવાનની સાથે ઓ.બી.સી. નેતા પણ છે. બાવળિયા ભાજપના ઉમેદવાર બન્યા ત્યારે તેમની સામે કૉંગ્રેસના અવસર નાકિયા ઉતર્યા હતા. જેઓ એક સમયે બાવળિયાના ચેલા ગણાતા હતા. આ પેટા ચૂંટણીમાં તમામ 19 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની કૉંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સામે 19 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીત થઈ હતી. બાવળીયાને 90,268 મત મળ્યા હતા.
જસદણ બેઠક પર મતદારોનું ગણિત
જસદણ વિધાનસભા બેઠક પર હંમેશા કોળી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. જસદણ બેઠકો પર જ્ઞાતિ આધારિત મતદારોની વાત કરીએ તો અહીં 70થી 72 હજાર કોળી મતદારો છે. જ્યારે કે લેઉઆ મતદારો 40 થી 42 હજાર છે. તો કડવા પટેલ મતદારો 10 હજાર છે. બીજી તરફ ભરવાડ અને રબારી સમાજના મતદારોની સંખ્યા 12 હજાર જેટલી છે. જસદણ બેઠકનો રાજકીય ઇતિહાસ ઘણો જ રસપ્રદ રહ્યો છે. અત્યાર સુધીના ઇતિહાસમાં એક જ વખત કાઠી દરબાર સમુદાયના શિવરાજ ખાચર અહીંથી ચૂંટણી જીતનાર કાઠી દરબાર હતા. જે કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. જો કે વિધાનસભામાં ફક્ત 7 હજાર જેટલા જ કાઠી દરબારના મત છે. 1985ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. જો કે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ બાંભણીયાનો વિજય થયો હતો. જનતા દળ અને કોંગ્રેસનું વિલિનીકરણ થતા કુંવરજીને એસ ટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
ટૂંકમાં કહીએ તો આ બેઠક પર અંદાજે 100 ટકામાંથી 35 ટકા કોળી, 20 ટકા લેઉવા પટેલ, 10 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રીય અને 13 ટકા અન્ય મતદારો છે.
જસદણ બેઠક પર યોજાયેલી ચૂંટણીઓનું સરવૈયું
ચૂંટણી વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2018 (પેટા ચૂંટણી) | કુંવરજી બાવળિયા | ભાજપ |
2017 | કુંવરજી બાવળિયા | કોંગ્રેસ |
2012 | ભોલાભાઇ ગોહેલ | કોંગ્રેસ |
2007 | કુંવરજી બાવળિયા | કોંગ્રેસ |
2002 | કુંવરજી બાવળિયા | કોંગ્રેસ |
1998 | કુંવરજી બાવળિયા | કોંગ્રેસ |
1995 | કુંવરજી બાવળિયા | કોંગ્રેસ |
1990 | ભીખાલાલ ભાંભણીયા | આઇએનડી |
1985 | મામૈયાભાઇ ડાભી | કોંગ્રેસ |
1980 | મામૈયાભાઇ ડાભી | આઇએનડી |
1975 | શિવકુમાર ખાચર | આઇએનડી |
1972 | ગોસાઈ પી ગુલાબગીરી | કોંગ્રેસ |
1967 | શિવકુમાર ખાચર | SWA |
1962 | વસંત પ્રભા શાહ | કોંગ્રેસ |
અનેક વિવાદોથી ઘેરાઇ છે જસદણ બેઠક
- 2018માં યોજાયેલી પેટા ચૂંટણીમાં હજુ મત ગણતરી પુરી પણ નહોતી થઈ, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકીયાએ મત ગણત્રી કેન્દ્રની બહાર નીકળીને ઈવીએમ સામે સવાલ ઉઠાવી દીધા હતાં. તેમણે મતદારોને પરેશાન કરવા અને બોગસ મતદાન થયાના આક્ષેપો પણ કર્યા હતાં. તેમણે સ્પષ્ટ રીતે વહીવટી તંત્રે સરકાર તરફી કામ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો અને ઈવીએમ મશીનમાં ચેડા થયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
- જસદણની પેટાચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ દૂરી બનાવી અને પ્રચારમાં સામેલ નહોતા થયા. જેના કારણે રાજકીય ગલીયારાઓમાં અનેક અફવાઓ વહેતી થઇ હતી.
- જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા વચ્ચે ખરાખરીના જંગે રાજકાણમાં ગરમાવો લાવી દીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના આસલપુર ગામમાંથી 514 મત મળ્યા હતા. જ્યારે તેની સામે બાવળિયાને 767 મત મળ્યા હતા. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા હતા. અવસર નાકિયાને જીતવામાં તેમના જ ગામના લોકોએ સાથ આપ્યો નહીં અને આ વાતથી સાબિત થયું કે અવસર નાકિયાનું પ્રભુત્વ તેમના ગામમાં પણ નથી.
- બાવળીયા અને વિવાદો વચ્ચે જૂનો નાતો રહ્યો છે. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પર ગૌચરની જમીન પચાવી પાડ્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો હતો. જસદણ વિંછિયાના રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિના સ્થાપક મુકેશ રાજપરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો હતો. જેમાં કુંવરજી બાવળિયા દ્વારા સંકુલ અને સ્ટોન ક્રશરના નામે 200 વિઘા જેટલી જમીનનું દબાણ કર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો અને દબાણ દુર કરવા અથવા લેન્ડ ગ્રેબિંગ કરવા બાબતે રજૂઆત કરી હતી.
- ભાજપના પૂર્વ મંત્રી એવા કુંવરજી બાવળીયાને લઈને ભાજપના જ પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાએ જ સીઆર પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં વીંછીયામાં ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને તેમને ફરીયાદમાં એ પણ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળીયા પોતાનું જ કામ કરે તેવા કાર્યકરોને આગળ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. નર્મદાનું પાણી ન મળે તે માટેનો કુંવરજી બાવળીયા પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Elections 2022