Gujarat Assembly Election 2022: એક ઓડિયો ક્લિપને કારણે જસદણમાં રાજકારણ ગરમાયું છે. કથિત ઓડિયો ક્લિપ ભાજપના કાર્યકર ગજેન્દ્ર રામાણીની હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. તો બીજી તરફ, કુંવરજી બાવળિયાએ હાઇકમાન્ડને તેમને હરાવવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે.
રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીને આડે હવે માત્ર 48 કલાક જ બાકી રહ્યા છે. ત્યારે જસદણ વિધાનસભા વિસ્તારનો માહોલ ગરમાયો છે. જસદણમાં ભાજપના આગેવાન દ્વારા કુંવરજી બાવળિયા વિરુદ્ધ મતદાન કરાવવાનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા જ વિવાદ સર્જાયો હતો. આ કથિત ઓડિયો ક્લિપમાં કુંવરજી બાવળિયાને હરાવવા માટે ભાજપના નેતાની મોટી ભૂમિકા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ અને સ્થાનિક નેતા ઇચ્છતા હતા કે કુંવરજી બાવળિયાની હાર થાય. ત્યારે ઓડિયો ક્લિપમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને પાડી દેવા માટે ભોળાના નામનો ઉપયોગ કર્યો હતો. મહત્ત્વનું છે કે, ભોળા ગોહેલ જસદણથી કોંગ્રેસના ઉમેદવાર છે. આ બધા વચ્ચે આ કથિત ઓડિયો ક્લિપ ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની ચર્ચા થઈ રહી છે.
કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા
કુંવરજી બાવળિયાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ‘ઓડિયો સાબિત કરે છે કે, ગજેન્દ્ર રામાણીએ તેમના વિરુદ્ધ ચૂંટણી દરમિયાન કામ કર્યું છે. જય ભોલેનાથ કરીને સાંકેતિક ભાષામાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા જોવા મળ્યા છે. આ બધા પાછળ ભરત બોઘરાનો હાથ પણ છે. આ મામલે કમલમમાં રજૂઆત કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તેમણે ગજેન્દ્ર રામાણી વિરુદ્ધ મોવડીમંડળને રજૂઆત કરી હતી. જો કે, તે સમયે યોગ્ય કાર્યવાહી ન થતા આવી હરકત ફરીવાર કરવામાં આવી હોવાનો કુંવરજી બાવળિયાએ આક્ષેપ કર્યો છે.
મેં મારા વર્ષો જૂનાં મિત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમાં કહ્યુ હતુ કે, આપણે શું કરવાનું છે. ત્યારે મેં કહ્યુ હતુ કે, ભરતભાઈએ તમને વાત નથી કરી. તો તેમણે કહ્યુ હતુ, ના. ત્યારબાદ તેમણે કુંવરજીભાઈ પર નિશાનો સાધતા કહ્યુ હતુ કે, ‘કમળો હોય તેને પીળું દેખાય. ભરતભાઈ એટલે ભરતભાઈ બોઘરા નહીં. એ લોકો યેનકેન પ્રકારે આ ભરતભાઈના નામને ભેળવામાં આવી રહ્યુ છે. 80 ટકા ભાજપના કાર્યકરો પાર્ટીની લાઇનની બહાર કામ કરે છે અને આ ઓડિયો 26મી તારીખનો છે.’
ઉલ્લેખનીય છે કે, બાવળિયા અને બોઘરા ઘણા સમયથી સામસામે હતા અને જસદણમાં પ્રભુત્વ માટે જંગ હતો, પણ જ્યારે બાવળિયાને ભાજપમાં લઇ સીધું મંત્રી પદ આપી દેવાયું અને બોઘરાને બોર્ડના ચેરમેન બનાવ્યા તો મતભેદ ઘટવાને બદલે વધ્યો હતો. ત્યારબાદની ચૂંટણીઓમાં જસદણમાં ભાજપના નબળા પ્રદર્શનને લઈને પણ બંને વચ્ચે નિવેદનો વધ્યાં હતાં.