Home /News /rajkot /મગફળીકાંડ: મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકોનો દોર

મગફળીકાંડ: મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકોનો દોર

વિજય રૂપાણી (ફાઈલ તસવીર)

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલ લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ અને વિવિધ વાયરલ વિડીયો પર સામ સામે રાજકારણ ખેલાઇ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મૂકવામાં આવ્યા છે. વિસ્તારોમાં મગફળી ખરીદીમાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઇ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો છે. આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.

ભાજપના પૂર્વ મંત્રી ચિમન સાપરિયાની મંડળી પણ સામેલ હોવાનો આક્ષેપ
મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ મંત્રી ચિમન સાપરીયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે  મોટાભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી.

જામજોધપૂર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ મંત્રી ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. માહિતી અનુસાર જામજોધપૂર માર્કેટીંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રુપિયાની મગફળી વેચી હતી જેમા ભેળસેળની વ્યાપક ફરિયાદ થઇ હોવાથી સ્થાનિક  ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામા આવી છે.



ગાંધીધામ, ગોંડલ, શાપર, જામનગર અને રાજકોટ, જેતપુરમાં પણ મગફળીની સાથે ગુણીમાં ધૂળ,ઢેફાં અને કાંકરા ભેળવીને વેંચવાનું કૌભાંડ બહાર આવતા વેપારીઓ રોષે ભરાયા છે. મગફળી કાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા કુલ 22 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી 11 આરોપીના 10 દિવસના રિમાન્ડ અને બાકીના આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરાર થયેલા લોકોની પકડવાની પણ કાર્યવાહી શરુ કરવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે હવે કોંગ્રેસે પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.



ગોંડલ, જામનગર, શાપર-વેરાવળ અને ગાંધીધામના મગફળીના ગોડાઉનમાં સમયાંતરે ભભુકેલી આગના કારણે સરકાર ચોંકી ઉઠી હતી. આગ લાગી ન હોય પણ લગાડવામાં આવી હોવાની દહેશત સાથે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવવા સહિતના પગલાં લેવાયા છે. પરંતુ મગફળી કૌભાંડમાં રાજકીય માથાઓની સીધી કે આડકતરી સંડોવણી હોવાથી તપાસના નામે નાટક થઇ રહ્યાની ચર્ચા ચાલી છે.
First published:

Tags: BJP Minister, Groundnut scam