ગોંડલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે અને આવતીકાલે પરિણામ આવશે, પરંતુ મતદાન દરમિયાનનો ગોંડલના વાયરલ થયેલા એક વીડિયોએ ભારે ચર્ચા જગાડી છે. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, મતદાર દ્વારા ભાજપને મત આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, બાળકના હાથે મતદાન કરાવાતું હોવાનો વીડિયો જાહેર થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા અને તપાસનો સિલસિલો શરૂ કરાયો છે.
આ વીડિયો કોનો છે અને કોણે અપલોડ કર્યો?
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે, એક બાળકના હાથે મતદાન કરાવવામાં આવ્યું હતું અને ભાજપને મત આપતો હોય તેવું સામે આવ્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ પ્રાંત અધિકારી પણ ચોંકી ગયા હતા. જે બાદ ફરિયાદ કરી સાયબર ક્રાઇમનો સહારો લેવો પડ્યો છે. આ વીડિયો કોનો છે અને કોણે અપલોડ કર્યો છે, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ગોંડલ બેઠક પર ભાજપને મત આપતાં વાયરલ થયેલા આ વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે. બીજી બાજુ, અધિકારીઓ સહિત સાયબરની ટીમ તપાસમાં લાગી ગઇ છે. જોકે, મતદાન મથકમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોય છે. છતાં કેવી રીતે મતદાર ફોન લઇને ગયો અને વીડિયો ઉતાર્યો તેવો પણ સવાલ ઉભો થઇ રહ્યો છે. નાના બાળકના હાથે મતદાન કરાવી નિયમનું ઉલ્લંઘન કરવાનો મામલો પ્રાંત અધિકારી સુધી પહોંચ્યો છે. જે બાદ સાયબર ક્રાઇમ દ્વારા આ વાયરલ વીડિયો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.