Home /News /rajkot /લગ્નની લાલચ આપી પિંખતો રહ્યો યુવતીનો દેહ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
લગ્નની લાલચ આપી પિંખતો રહ્યો યુવતીનો દેહ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
લગ્નની લાલચે દુષ્કર્મ
Rajkot Crime Branch: આજે પણ આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે તાજેતરમાં જ પોલીસ મથકમાં જૂનાગઢના એક શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દુષ્કર્મ આચરનારા જયદીપ પંપાણીયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
રાજકોટ: આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે. તેમ છતાં આજે પણ આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે તાજેતરમાં જ પોલીસ મથકમાં જૂનાગઢના એક શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દુષ્કર્મ આચરનારા જયદીપ પંપાણીયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ક્રાઈમ રેટના આંકડા પણ તેની સાક્ષી પૂરે છે.
જુનાગઢના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એસીપી ક્રાઈમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ‘તાજેતરમાં જ રાજકોટ શહેરના મહિલા પોલીસ માથકમાં જુનાગઢના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ યુવરાજસિંહ જાડેજા, તેમની ટીમના પી.એસ.આઇ એમ.જે હુણ અને તેમની ટીમ દ્વારા દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા જયદીપ દેવશી પંપાણીયાને ગુનો નોંધાયાના ગણતરીની કલાકોમાં રાજકોટના કણકોટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં ત્રણ જેટલા ગુના દાખલ પણ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, જયદીપ પંપાણિયા રેતી કપચી નો ધંધો કરતો હોવાનું પણ સામે આવ્યું છે. મહિલા પોલીસ માથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જયદીપ પીડિતાને અમદાવાદ સહિતની જગ્યાએ લઈ જઈ અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. જેથી પોલીસ દ્વારા તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, જયદિપ પંપાણિયા સાથે તેનો પરિચય થયા બાદ તેને પ્રેમનું નાટક રચ્યું હતું. તેમજ લગ્નની લાલચ આપી આવાર નવાર તેનું શારીરિક શોષણ પણ કરતો રહ્યો હતો. પીડિતાએ જણાવ્યું છે કે ‘4 ડિસેમ્બરના રોજ જયદીપ તેને અમદાવાદ ખાતે એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે મેં પ્રતિકાર કર્યો ત્યારે જયદીપે લગ્ન કરવાનો જ છું તે પ્રકારની વાત કરી હતી. જોકે બાદમાં લગ્ન અંગે મેં વાત કરતા જયદીપે મારી સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. તેમજ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દેતા મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે.’