Rajkot news: કાર તેમજ ટુ વ્હીલરમાં આઠ જેટલા વ્યક્તિઓ ઘસી આવ્યા હતા. જોત જોતામાં બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ સિદ્ધાર્થ કંઈ પણ સમજે તે પૂર્વે તીક્ષણ હથિયારનો ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
રાજકોટ: શહેર ફરી એક વખત રક્ત રંજીત બન્યું છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકરનગર નજીક યુવકની હત્યા કરવામાં આવી હોવાનો બનાવો સામે આવ્યો છે. સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા આઇપીસીની કલમ 302 હેઠળ ગોપાલ કલા ગોહિલ, ભમો ગોહેલ, ધર્મેશ ગોહેલ, હિતેશ ગોહેલ, આનંદ મયુર ઉર્ફે એમડી દાફડા, નિતીન મુછડીયા તેમજ મોહી ઉર્ફે બન્ની પરમાર સહિતના આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે બે વ્યક્તિઓને સકંજામાં લઈ લીધા છે. અંગત અદાવતના કારણે સિદ્ધાર્થ મકવાણા નામના યુવકની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણા બુધવારના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંબેડકર નગર નજીક 80 ફૂટના રોડ પર હતો. ત્યારે i20 કાર તેમજ ટુ વ્હીલરમાં આઠ જેટલા વ્યક્તિઓ ઘસી આવ્યા હતા. જોત જોતામાં બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ સિદ્ધાર્થ કંઈ પણ સમજે તે પૂર્વે તીક્ષણ હથિયારનો ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી તેને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
જોકે હોસ્પિટલ ખાતે તે પહોંચે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ખાતે ફરજ પરના હાજર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે ઘટના સ્થળ ખાતે પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હત્યામાં સામેલ બે જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ બાકીના છ આરોપીઓની શોધખોળ શરૂ છે.
મળતી માહિતી મુજબ, મૃતક તેમજ હત્યાના ગુનામાં સામેલ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતક રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીનો કર્મચારી હોવાનો પણ જાણવા મળી રહ્યું છે.