Mustufa Lakdawala, Rajkot: એક તરફ ચૂંટણી ચરમસીમાએ છે તો બીજી તરફ લગ્નની સિઝન પણ પૂરજોશમાંખીલી છે.ત્યારે આ બધા વચ્ચે વિદેશી ફુલ, બુકે, સાફાવાળા, કેટરસવાળાની ડિમાન્ડ નીકળી છે. ત્યારે જો વિદેશી ફુલની વાત કરવામાં આવે તો વિદેશી ફુલથી બનતા બુકેની ડિમાન્ડ ભારે ઉભી થઈ છે. જેને લઈને ફુલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યોછે. ચૂંટણી પ્રચારને લઈને રાજકીય નેતાઓનું ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેથી નેતાઓને આપવા માટેના બુકેની ડિમાન્ડ ભારે ઉભી થઈ છે. ભર શિયાળામાં ફુલના ભાવ સાંભળીને તમને ગરમી ચડી જશે.
માર્કેટમાં અત્યારે વિદેશી ફુલની બોલબાલા વધી ગઈ છે. માર્કેટમાં અત્યારે અલગ અલગ પ્રકારના ફુલ પણ જોવા મળી રહ્યાં છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે લગ્ન કે ધાર્મિક ઉજવણી કરવામાં આવી તો હતી પણ મર્યાદિત માત્રામાં. ત્યારે આ વર્ષે માર્કેટ ફુલ બહારમાં ખીલી છે.
લોકો ખુલ્લા મને પ્રસંગોની ઉજણવી કરી રહ્યાં છે. જેથી ફુલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજકોટમાં ફુલ બજારમાં 40 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીના કિલોના ભાવ બોલાઈ રહ્યાં છે. સામાન્ય દિવસોમાં 200થી 500 કિલો ફુલનો વેપાર થતો હતો જે અત્યારે 1500થી 2000 કિલો ફુલો વેચાઈ રહ્યાં છે.
ત્યારે આ ભાવમાં 2-3 ગણો વધારો થયો હોવા છતાં લોકો ફુલ ખરીદવા પર ખચકાતા નથી. હાલમાં માર્કેટમાં રનિંગ ગુલાબ અને ગલગોટા સહિત હાલ ડચ ગુલાબ, જરબરા, એંથોરિયમ સહિતના ફુલો ધુમ મચાવી રહ્યાં છે. હજુ એકાદ મહિના સુધી ફૂલોની માંગમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.