Home /News /rajkot /રાજકોટની નામાંકીત જ્યોતિ CNC કંપની સાથે નાણાંકીય ફ્રોડ થાય તે પૂર્વે ગઠિયાઓનો ફૂટ્યો ભાંડો!
રાજકોટની નામાંકીત જ્યોતિ CNC કંપની સાથે નાણાંકીય ફ્રોડ થાય તે પૂર્વે ગઠિયાઓનો ફૂટ્યો ભાંડો!
રાજકોટ પોલીસની કાર્યવાહી
Rajkot Police: રાજકોટની નામાંકિત જ્યોતિ CNC નામની કંપની સાથે નાણાંકીય ફ્રોડ થાય તે પૂર્વે જ બે ગઠિયાઓનો ભાંડો ફૂટ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી લીધી છે.
રાજકોટ: રાજકોટની નામાંકિત જ્યોતિ CNC નામની કંપની સાથે નાણાંકીય ફ્રોડ થાય તે પૂર્વે જ બે ગઠિયાઓનો ભાંડો ફૂટ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે જ્યોતિ CNC નામની કંપનીના માલિક વિક્રમસિંહ રાણા ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે આઇપીસી ની કલમ 465, 467, 468, 471, 472, 120 (બી) મુજબ સમીરભાઈ સલીમભાઈ ચાનીયા અને અરુણકુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ પોલીસની કાર્યવાહી
ભક્તિનગર પોલીસ મથકમાં વિક્રમ સિંહ રાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 15 વર્ષથી રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસી ખાતે સીએનસી ઓટોમેશન કંપની ચલાવું છું. કંપનીમાં હું ડિરેક્ટર છું. અમારી કંપનીનું કેસ ક્રેડિટ એકાઉન્ટ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની ઢેબર રોડ બ્રાન્ચમાં આવેલું છે. ગત પેલી ફેબ્રુઆરી ના રોજ બેંકના ફાઇનાન્સીયલ ઓફિસર તરીકે કામ કરતા કમલેશભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો કે, તમારી કંપનીના કેસ ક્રેડિટ એકાઉન્ટમાં રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ નંબર બદલવા માટે અરજી મળેલ છે. જે બાબતે ખરાઈ કરવા માટે અમે અમારી કંપનીમાં કામ કરતા કંપની સેક્રેટરી મૌલિકભાઈ ગાંધીને બેંક ખાતે મોકલતા તેઓના દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવતા લેટરપેડ માં કેટલીક વિસંગતતાઓ જોવા મળી હતી.
બાદમાં ત્રીજી ફેબ્રુઆરી ના રોજ બેંક તરફથી વધુ એક વખત કોલ આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, તમારી કંપની વતી અરજી કરનાર વ્યક્તિ બેંક ખાતે આવ્યો છે. જે સંદર્ભે અમારી કંપની દ્વારા ભક્તિનગર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ભક્તિનગર પોલીસના બે જેટલા કર્મચારીઓ બેંક ખાતે આવેલ અને અરજી કરવા આવનાર વ્યક્તિની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં અરજી કરવા આવનાર વ્યક્તિએ પોતાનું નામ સમીર ભાઈ ચાનિયા હોવાનું જણાવ્યું હતું. સમીર ચાનીયા નામના વ્યક્તિએ જે અરજી કરી હતી તેમાં વાપરવામાં આવેલ લેટરપેડ તેમજ અન્ય દસ્તાવેજો બોગસ હોવાનું જણાય આવ્યું હતું.
લેટરપેડમાં જે અમારા અન્ય ડિરેક્ટરોની સહી કરવામાં આવી હતી તે પણ ખોટી હતી. તેમજ જીએસટી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની અંદર પણ ડિરેક્ટર તરીકેના સિક્કા મારવામાં આવેલ હતા તેની નીચે મારી ખોટી સહી કરવામાં આવી હતી. તેમજ મારા પિતરાઈ ભાઈ અને કંપનીના ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજાના આધાર કાર્ડ તેમજ પાનકાર્ડમાં પણ સહી કરવામાં આવી હતી. બોગસ લેટરપેડ ઉપર જે નંબર લખ્યો હતો તે નંબર અંગે પૂછપરછ કરતા તે નંબર અરુણકુમાર નો હોવાનો સમીર ચાનિયા નામની વ્યક્તિએ જણાવ્યું હતું. તેમજ અરુણ કુમારના કહેવાથી તે મોબાઈલ નંબર બદલવાની અરજી તેમજ એકાઉન્ટ નું સ્ટેટમેન્ટ મેળવવાની અરજી કરવા આવ્યો હોવાનું જણાવ્યું છે.