રાજકોટઃ નામાંકિત સની પાજી દા ઢાબાના સંચાલક પિતા-પુત્ર વિરુદ્ધ રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે બંને પોલીસ સ્ટેશન હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે જ તેમની જામીન અરજી પણ સ્વીકારી લેવામાં આવી હતી.
રાજકોટઃ નામાંકિત સની પાજી દા ઢાબાના સંચાલક પિતા-પુત્ર વિરુદ્ધ રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત પોલીસ દ્વારા હાજર રહેવાનું કહેતા પિતા - પુત્ર મહિલા પોલીસ મથક ખાતે હાજર રહ્યા હતા. પિતા - પુત્ર પોલીસ મથકમાં હાજર થતાંની સાથે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવતા પિતા-પુત્રને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંતર્ગત જામીન પણ મળ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
મહિલા પોલીસ મથકમાં સની પાજી દા ઢાબાના સંચાલક તેજેન્દ્ર સિંઘ અને અમનવીર સિંઘ ઉર્ફે સની પાજી વિરુદ્ધ અમરીત કૌર ઉર્ફે ભૂમિકા વ્યાસે પોતાના પતિ અને પોતાના સસરા વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 506 (2) તેમજ 114 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં ભૂમિકા વ્યાસે જણાવ્યું હતું કે, મારા પતિ મને રિવોલ્વર તેમજ તલવાર વડે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ મારા પતિ અને મારા સસરા દારૂ પીને મારી સાથે ગેરવર્તણૂંક પણ કરતા હતા. તેમજ મારા પતિ લગ્ન બાદ પણ અન્ય યુવતીઓ સાથે વાતચીત પણ કરતા હતા.
જામીન મળ્યા બાદ અમનવીર સિંઘ ઉર્ફે સની પાજીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘મારી ઉપર લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણાં છે. મીડિયામાં એક વાત ચલાવવામાં આવી રહી હતી કે, અમે પિતા પુત્ર ભાગી છૂટ્યા છીએ. પરંતુ અમે કોઈ જગ્યાએ ભાગી છૂટ્યા નહોતા. ગઈકાલે મંગળવારના રોજ હું આશાપુરા માતાજીના મઢે દર્શન કરવા ગયો હતો. જે ફોટો પણ મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અપલોડ કર્યો છે. પોલીસનો ફોન આવ્યા બાદ આજે બુધવારના રોજ અમે સામે ચાલીને પિતા પુત્ર પોલીસ સ્ટેશનને હાજર થઈ ગયા છીએ. પોલીસ દ્વારા જરૂરી નિવેદન પણ નોંધવામાં આવ્યાં છે. તેમજ અમારા પિતા પુત્ર વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. અમારા ધંધાને નુકસાન પહોંચાડવા માટે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું છે. અમારો જે ઢાબાનો ધંધો ખૂબ સારો ચાલી રહ્યો છે, તેનાથી કેટલાક લોકોને ગમી નથી રહ્યું. મારા સસરા પક્ષ તેમજ અમારા ધંધામાં જોડાયેલા જે ફ્રેન્ચાઇસીના જે જૂના પાર્ટનરો છે તેઓને પણ મનદુઃખ અમારાથી ચાલી રહ્યું છે. તે તમામ લોકોને જોઈએ તેટલા પૈસા અમે નથી આપી રહ્યા તેના કારણે ફૂડ શાખાની રેડ પણ પડાવી રહ્યા છે. જેથી કરીને અમારા ધંધાને મોટી અસર પહોંચે તે પ્રકારના તમામ કાવતરાઓ રચવામાં આવી રહ્યા છે.’
તેણે કહ્યુ હતુ કે, ‘મારી પત્નીએ જે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મેં તેને રિવોલ્વરથી ધમકી આપી છે. તે અંગે મારે એટલું જ કહેવું છે કે આજથી સાત મહિના પૂર્વે મેં રિવોલ્વર પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં જમા કરાવી છે. મેં આ બાબતે મહેરબાન પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે કે, સંભવતઃ મારી પાસે રહેલ રિવોલ્વરના કારણે મારી ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ શકે તેમ છે. અમારી ઉપર જેટલા પણ આ લોકો લાગ્યા છે તે તમામ આરોપો ખોટા છે તે બાબતે અમે કોર્ટમાં પુરાવાઓ આપીશું.’